જામનગર શહેર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે જિલ્લાના તમામ તાલુકાઓમાં ગઇકાલે મેઘરાજાનો મુકામ જોવા મળ્યો હતો. 1થી 2 ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. ગ્રામ્ય પંથકોમાં પણ શ્રાવત્રીક મેઘમહેર જોવા મળી છે. જામનગર શહેરમાં પણ ગઇકાલે સમગ્ર દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
રાજ્યભરમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જામનગર શહેર જિલ્લામાં જોઇએ તેવો વરસાદ ન થતાં લોકોમાં ચિંતામાં મુકાયા હતા ત્યારે છેલ્લા બે દિવસથી જામનગર શહેરમાં વરસાદી માહોલ છવાયો છે. ગુરૂવારે રાત્રીથી જિલ્લામાં મેઘરાજાનો મુકામ જોવા મળ્યો હતો. છતાં હજુ પણ લોકો મેઘરાજા મનમુકીને વરસે તેમ ઇચ્છી રહ્યા છે. જેથી ખેડૂતોને મુશ્કેલી દૂર થાય અને પાણીની પરિસ્થિતિ પણ વિકટ ન બને હવામાન વિભાગ દ્વારા પણ જામનગર સહિત રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પણ સવારથી જામનગર શહેર સહિતના તાલુકાઓમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.
ગઇકાલે સવારે છ વાગ્યાથી આજે સવારે છ વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન જામનગર તાલુકામાં પોણા બે ઇંચ લાલપુર તાલુકામાં પોણા બે ઇંચ, જોડિયા, કાલાવડ અને જામજોધપુરમાં દોઢ-દોઢ ઇંચ તથા ધ્રોલ તાલુકામાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. વાવણી લાયક વરસાદથી જનજીવનની સાથે ખેડૂતોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. ગુરૂવારે રાત્રીના શરૂ થયેલ વરસાદે ગઇકાલે બપોરે આંશીક વિરામ લીધો હતો જોકે ધીમી ધારે મેઘ મહેર યથાવત રહી હતી. તમામ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો.
છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર તાલુકાના વસઇમાં 1 ઇંચ, લાખાબાવળમાં અડધો ઇંચ, મોટીબાણુગારમાં અડધો ઇંચ, ફલ્લા અને જામવંથલીમાં અડધો-અડધો ઇંચ, મોટી ભલસાણમાં 1 ઇંચ, અલીયાબાડામાં અડધો ઇંચ, દરેડમાં પોણો ઇંચ, જોડિયા તાલુકાના હડિયાણામાં બે ઇંચ, બાલંભામાં સવા બે ઇંચ, પીઠડમાં દોઢ ઇંચ, ધ્રોલ તાલુકાના લતીપુરમાં બે ઇંચ, જાલીયા દેવાણીમાં સવા ઇંચ, લૈયારામાં અડધો ઇંચ, કાલાવડ તાલુકાના નિકાવામાં 1 ઇંચ, ખરેડીમાં અડધો ઇંચ, મોટા વડાળામાં 1 ઇંચ, ભલસાણ બેરાજામાં અડધો ઇંચ, નવાગામમાં સવા ઇંચ, મોટા પાંચદેવડામાં દોઢ ઇંચ, જામજોધપુર તાલુકાના સમાણામાં અડધો ઇંચ, શેઠવડાળામાં અડધો ઇંચ, જામવાડીમાં પોણો ઇંચ, વાસજાળીયામાં અડધો ઇંચ, ધુનડામાં 1 ઇંચ, ધ્રાફામાં 1 ઇંચ, પરડવામાં અડધો ઇંચ, લાલપુર તાલુકાના પીપરટોળામાં અડધો ઇંચ, પડાણામાં અડધો ઇંચ, ભણગોરમાં અડધો ઇંચ, મોટા ખડબામાં 4 મી.મી., મોડપરમાં અડધો ઇંચ, હરીપરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. આમ જામનગર જિલ્લાના તમામ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાથી લઇ બે ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો.
કાલાવડ તાલુકાના બામણગામની નદીમાં ઘોડાપૂર
પાણીને વહેણમાં કાર ફસાઈ : સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી
જામનગર જિલ્લાના કાલાવાડ શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઉપરવાસમાં પણ સારો વરસાદ નોંધાતા સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા.
કાલાવાડ તાલુકાના બામણગામ પાસે આવેલી સ્થાનિક નદીમાં અચાનક ઘોડાપૂર આવતાં એક કાર પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં આસપાસના ગામલોકો તાત્કાલિક દોડી આવ્યા હતા.
સદનસીબે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. કાર ચાલકની સતર્કતા તેમજ ગામલોકોની સમયસર મદદને કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી અને મોટી દુર્ઘટના ટળી હતી.
ભારે વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જ્યારે નદીઓ અને નાળાઓમાં પાણીનો પ્રવાહ વધતા સ્થાનિક તંત્ર દ્વારા પણ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. વરસાદી માહોલ વચ્ચે નદી, ચેકડેમ અને પાણીના વહેણવાળા વિસ્તારો નજીક ન જવા તેમજ જોખમ ન લેવા સ્થાનિકોને સૂચના આપવામાં આવી છે.
બાલંભડી-મૂળીલા માર્ગ ધોવાતા ગ્રામજનોને મુશ્કેલી
સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવતા રસ્તો ધોવાઈ ગયો
કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. તાલુકાના મૂળીલા ગામ તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે.
ઘોડાપૂરના કારણે બાલંભડી-મૂળીલા તેમજ મૂળીલા-કાલાવડને જોડતો મુખ્ય માર્ગ ધોવાઈ ગયો છે. રસ્તો ધોવાઈ જતાં મૂળીલા ગામનો સંપર્ક તૂટી ગયો છે અને ગામલોકોને અવરજવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિક લોકો દ્વારા તંત્રને તાત્કાલિક રસ્તાનું સમારકામ કરીને અવરજવર પુન: શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. હાલ ગામ સંપર્કવિહોણું બનતાં ગ્રામજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.


