Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરઆજે હોલિકા દહન, આવતીકાલે રંગોત્સવની ઉજવણી

આજે હોલિકા દહન, આવતીકાલે રંગોત્સવની ઉજવણી

- Advertisement -

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં આજરોજ અસત્ય પર સત્યના વિજયના મહાપર્વ હોલિકા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. છેલ્લાં બે વર્ષથી કોરોના કાળને કારણે સરકારી નિયંત્રણોને કારણે હોળી-ધૂળેટીની ઉજવણી ફીક્કી રહી હતી. ત્યારે આ વર્ષે કોરોના સંક્રમણ ઘટતા રાજ્ય સરકાર દ્વારા છૂટછાટો આપવામાં આવી હોય, છોટી કાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગર શહેરમાં આજે હોલિકા દહન અને આવતીકાલે રંગોના પર્વ ધૂળેટીની ઉજવણીને લઇ શહેરીજનોમાં અનેરો થનગનાટ છવાયો છે. જામનગર શહેરમાં અંદાજિત 400 થી વધુ સ્થળોએ હોલિકા દહન થશે. આ ઉપરાંત આવતીકાલે શહેરના હાઈ-વે પર આવેલા પાર્ટીપ્લોટ તેમજ રેસ્ટોરન્ટમાં પણ રંગોત્સવના કાર્યક્રમની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

જામનગર શહેરના અનેક વિસ્તારોમાં આજે સાર્વજનિક હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને શહેરમાં 60 વર્ષથી વધુ સમયથી ભોઈ જ્ઞાતિ દ્વારા યોજાતા હોલિકા દહન મહોત્સવનું અનેરું આકર્ષણ હોય છે. ભોઇ વાડામાં 25 ફૂટ ઉંચુ હોલિકાનું પૂતળુ તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરના રણજીતનગર, પટેલ કોલોની, રામેશ્વરનગર, ભાનુશાળી વાડ, લીમડાલાઈન, નવાગામ ઘેડ, ખોડિયાર કોલોની, ગુલાબનગર સહિતના અનેકવિધ વિસ્તારોમાં ઠેર ઠેર હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે. હોલિકા દહનને લઇ હોળીના પ્રસાદ એવા ધાણી-દારિયા, પતાશા, નાળિયેર સહિતની ચીજવસ્તુઓના વેચાણ માટે સ્ટોર ઉભા થયા છે. શહેરમાં લગભગ 400 થી વધુ સ્થળોએ હોલિકા દહન મહોત્સવનું ભક્તિભાવ પૂર્વક આયોજન થયું છે.

- Advertisement -

આજે હોલિકા દહન બાદ આવતીકાલે રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી થશે. બે વર્ષના કોરોના કાળ બાદ ધૂળેટી પર્વ ઉજવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જામનગર શહેરની ભાગોળે આવેલા પાર્ટી પ્લોટ, રેસ્ટોરન્ટ સહિતના સ્થળોએ રંગોત્સવની ઉજવણીના કાર્યક્રમો પણ યોજાનાર છે. જેને લઇ રંગ રશિયામાં અનેરો ઉત્સાહ છવાયો છે. ધૂળેટીની ઉજવણીને લઇ રેઈન ડાન્સ સહિતના આયોજનો તેમજ ઠંડાઈ અને ભોજન સહિતના કાર્યક્રમો યોજાનાર છે. ત્યારે ધૂળેટી ઉજવવા લોકો દ્વારા એડવાન્સ બુકિંગ પણ કરી દેવામાં આવ્યા છે. કોરોના કાળમાંથી મુકિત બાદ શહેરની તહેવારી પ્રેમી જનતામાં હોળી-ધૂળેટીના પર્વને ઉજવવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular