આગામી તા. 27 જુલાઈના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે, ત્યારે હિરાસર એરપોર્ટ ખાતે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે, અને હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ હવેથી ‘’રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ” તરીકે ઓળખાશે.
રાજકોટ એરપોર્ટ ડીરેક્ટર દિગંત બોરાના જણાવ્યા અનુસાર, એરપોર્ટ ઓર્થોરિટી સાથે આયોજિત વિડીયો કોન્ફરન્સમાં ચેરમેન સંજીવકુમાર દ્વારા હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું “રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ” તરીકે નામકરણ કરવામાં આવ્યું હોવાનું જાહેર કરાયું હતું. આથી હવેથી આ એરપોર્ટ ‘રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ’ તરીકે ઓળખાશે.
એરપોર્ટ ખાતે ઉભા કરાયેલા કલાત્મક ટર્મિનલ બિલ્ડીંગ ખાતે એરાઇવલ અને ડીપાર્ચર સહિતની જગ્યાઓને સાઈનેજીસથી સજ્જ કરી દેવામાં આવ્યું છે. ટર્મિનલમાં સિક્યોરિટી બેરીયર અને ટ્રોલીની સુવિધાઓ ઉપરાંત, વિવિધ ઓફિસો સાધનોથી સજ્જ કરી દેવામાં આવી છે. ઓપરેશન મેનેજમેન્ટ સ્ટાફ દ્વારા વિવિધ સ્થળોની રેકી કરી લેવામાં આવી છે. એરપોર્ટ ખાતે જરૂરી સાફસફાઈ કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.
હાલમાં એરપોર્ટ ઓર્થોરિટીના ચેરમેન સંજીવકુમાર હિરાસર એરપોર્ટની મુલાકાત લઈ ચુક્યા છે. તેમજ ડી.જી.સી.એ.ની ટીમ દ્વારા મુલાકાત લઈ ફાઈનલ ઇન્સ્પેકશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તા. 27 જુલાઈના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્લેન દ્વારા હિરાસર એરપોર્ટ ખાતે ઉતરાણ કરી રેસકોર્સ મેદાન ખાતે જનસભાને સંબોધન કરશે.
વડાપ્રધાનના રેસકોર્ષ ખાતેના કાર્યક્રમની તૈયારીનું નિરિક્ષણ કરતાં મુખ્યમંત્રી
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તા. 27 જૂલાઈના રોજ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે જનસભા સંબોધવાના છે, જે સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રેસકોર્સ ખાતે વડાપ્રધાનના સભાસ્થળની મુલાકાત લઈ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. અઘિકારીઓ પાસેથી પ્રવેશ, નિકાસ, વીઆઈપી તેમજ અન્ય બેઠક વ્યવસ્થા અને બેઠકક્ષમતા, જાહેર સલામતી અને અન્ય વ્યવસ્થાઓ વિશે માહિતી મેળવી તેમણે જરૂરી સૂચનો કર્યા હતા.
આ તકે મંત્રી રાઘવજીભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળીયા, ભાનુબેન બાબરીયા, મેયર પ્રદીપ ડવ, સંસદસભ્યો મોહનભાઈ કુંડારિયા અને રામભાઈ મોકરિયા, ધારાસભ્યો રમેશભાઈ ટિલાળા તેમજ દર્શિતાબેન શાહ, અગ્રણી ભરતભાઈ બોઘરા તેમજ કલેક્ટર પ્રભવ જોષી, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નાયબ પોલીસ કમિશનર પાર્થરાજસિંહ ગોહેલ, માર્ગ અને મકાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સર્વે એન.બી. પાવાગઢી, કે.એન. ઝાલા, ડી. ડી. શેખલિયા, ગૌરાંગ નાંઢા, સિદ્ધાર્થ જાની વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટ ખાતે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત, અધિકારીઓ સાથે બેઠક અને અન્ય કલ્યાણકારી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા રાજકોટ એરપોર્ટે આવી પહોંચ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીનું કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા, મેયર પ્રદીપભાઈ ડવ, સાંસદો રામભાઈ મોકરીયા અને મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યો દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, મહેન્દ્રભાઈ પાડલીયા, કલેકટર પ્રભવ જોશી, રેન્જ આઇજી અશોક કુમાર યાદવ, રાજકોટ ડી.સી.પી. ઝોન 2 સુધીર દેસાઈ, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અનિલ ધામેલીયા, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, પ્રાદેશિક નગરપાલિકાના કમિશ્નર ધીમંત કુમાર વ્યાસ, ડીડીઓ દેવ ચૌધરીએ રાજકોટ એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત કર્યું હતુ.