ગાંધીનગર સ્થિત ગ્રામ્ય આરોગ્ય કમિશનર દ્વારા ગત ૩૧ જુલાઈના રોજ બહાર પાડવામાં આવેલા પરિપત્રને લઈને રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે જામનગર જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા પરિપત્રની હોળી કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
આરોગ્ય કર્મચારીઓના જણાવ્યા મુજબ પરિપત્રમાં ગ્રામ્ય કક્ષાના મેલ આરોગ્ય કર્મચારીઓને પોતાની રોજિંદી કામગીરીના રિપોર્ટિંગ ઉપરાંત પોતાના અંગત મોબાઈલમાં ‘ટેકો એપ’ ડાઉનલોડ કરવા તેમજ દર્દીની સારવાર દરમિયાન ફોટા અને સેલ્ફી અપલોડ કરવાની સૂચના આપવામાં આવી છે. આ નિયમને લઈને આરોગ્ય કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
જામનગર જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ વી.પી. જાડેજાએ જણાવ્યું હતું કે, દર્દીઓની સારવાર દરમિયાન ફોટા કે સેલ્ફી લેવામાં આવે તો દર્દીઓની ખાનગીતા અને કર્મચારીઓની પ્રાઈવસીનો પ્રશ્ન ઊભો થાય છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કર્મચારીઓ ઘરે-ઘરે જઈને આરોગ્ય સેવાઓ આપે છે, ત્યારે આવી કામગીરી વ્યવહારિક રીતે પણ મુશ્કેલ હોવાનું કર્મચારીઓનું કહેવું છે.
View this post on Instagram
આરોગ્ય કર્મચારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, જો સરકારી કામગીરી માટે એપ મારફતે ફોટા કે અન્ય માહિતી અપલોડ કરાવવાની હોય તો કર્મચારીઓને સત્તાવાર સરકારી મોબાઈલ અને જરૂરી સાધનો આપવામાં આવે. કર્મચારીઓના અંગત મોબાઈલનો સરકારી કામગીરી માટે ઉપયોગ કરાવવો યોગ્ય નથી તેવી રજૂઆત કરવામાં આવી છે.
આ ઉપરાંત અગાઉના આંદોલન બાદ મંજૂર કરવામાં આવેલા રૂ.૪ હજારના સર્વેલન્સ ભથ્થામાં કાપ કરવામાં આવી રહ્યો હોવાનો પણ કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે. હક્કનું ભથ્થું યથાવત રાખવાની માંગ સાથે આ મુદ્દે પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આરોગ્ય કર્મચારીઓએ સ્પષ્ટતા કરી છે કે તેઓ પોતાની ફરજ અને આરોગ્ય સેવાઓની કામગીરીથી પીછેહઠ કરી રહ્યા નથી. પરંતુ કર્મચારીઓ અને દર્દીઓની પ્રાઈવસી જળવાય, સરકારી કામગીરી માટે જરૂરી સાધનો આપવામાં આવે અને હક્કના ભથ્થામાં કાપ ન કરવામાં આવે તેવી તેમની મુખ્ય માંગ છે.
મંડળ દ્વારા આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ૭ સપ્ટેમ્બરના રોજ રાજ્યના ૩૪ જિલ્લાના હોદ્દેદારો કચ્છ ખાતે એકત્ર થઈ ધરણાં યોજશે અને પરિપત્રની હોળી કરશે.
આ ઉપરાંત ૧૦ સપ્ટેમ્બરના રોજ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રૂબરૂ રજૂઆત કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ‘ટેકો એપ’ અને પ્રાઈવસીના મુદ્દે આરોગ્ય કર્મચારીઓના વિરોધને પગલે આગામી દિવસોમાં આ મામલે સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.


