મતદાર યાદીના ખાસ સુધારણા કાર્યક્રમના અંતે આજે રાજ્યના તમામ જિલ્લાઓની નવી મતદાર યાદીઓ જાહેર કરવામાં આવી છે. જેના આંકડાઓ પરથી ફલિત થાય છે કે, સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં હવે કુલ મતદાર સંખ્યા 1.27 કરોડથી પણ વધુ થઈ જવા પામી છે. ગત વિધાનસભા ચૂંટણી સાપેક્ષ હાલ 13.10 લાખ મતદારોનો વધારો થયો છે. જેમાં જામનગર જિલ્લામાં છેલ્લાં પાંચ વર્ષમાં 138155 નવા મતદારો ઉમેરાયા છે.
સામાન્ય રીતે વર્ષમાં માત્ર એક જ તા.1 જાન્યુઆરીની સ્થિતિએ 18 વર્ષ પૂરા કરનારા લોકોના નામ જે-તે વર્ષના સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ થકી મતદાર યાદીમાં ઉમેરાતા હોય છે. પરંતુ, હવે કેન્દ્રીય ચૂંટણી પંચે 1 એપ્રિલ, 1 જુલાઇ અને 1 ઓકટોબરની સ્થિતિએ 18 વર્ષ પૂર્ણ કરનારાના નામ પણ ઉમેરવાની છુટ સાથે આ વખતે ખાસ સુધારણા કાર્યક્રમ આપ્યો હોવાથી આ મહિનાના પ્રારંભ સુધીમાં 18 વર્ષના થઈ ગયેલા લાખો યુવાજનો પણ હવે વિધાનસભાની આગામી ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. 18 થી 19 વર્ષના મતદારો રાજકોટ જિલ્લામાં 15086, મોરબીમાં 18896, ભાવનગર જિલ્લામાં 45277, અમરેલીમાં 12282 એમ મોટી સંખ્યામાં નોંધાયા છે.
ગત વિધાનસભા ચૂંટણી સાપેક્ષ હાલ સુધીમાં થયેલા મતદાર સંખ્યા વધારા બાબતે સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લો મોખરે, ભાવનગર બીજા, સુરેન્દ્રનગર ત્રીજા અને જામનગર ચોથા ક્રમે છે. થર્ડ જેન્ડર મતદારોની સંખ્યા રાજકોટમાં 34, અમરેલીમાં 20, મોરબીમાં 4, જામનગરમાં 15, ભાવનગરમાં 40, ગીર સોમનાથમાં 14, પોરબંદરમાં 6, સુરેન્દ્રનગરમાં 24, બોટાદમાં 6 છે.
જાહેર કરાયેલા જિલ્લાઓની મતદાર યાદીમાં જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર કુલ 138155 મતદારોનો ઉમેરો થયો છે. જ્યારે દ્વારકાની બે બેઠકોમાં 67407 મતદારો ઉમેરાયા છે. મતદાર યાદી મુજબ હવે સૌથી વધુ મતદાર સંખ્યા જામનગર ઉત્તરમાં – 2.63 લાખ જેટલી અને સૌથી ઓછી જામજોધપુરમાં 2.27 લાખ જેવી છે. જિલ્લાભરમાં જે 15773 નવા મતદારો ઉમેરાયા છે. તેમાં મોટાભાગના મતદારો પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. નવી મતદાર યાદી પ્રસિધ્ધ થયા મુજબ દરેક 1 હજાર પુરૂષના પ્રમાણમાં મહિલાની સંખ્યા 951 ની એટલે કે જિલ્લામાં જેન્ડરનો રેશિયો 951 નો થયો છે. વિધાનસભાના કાલાવડ મતવિસ્તારમાં 300, જામનગર ગ્રામ્યમાં 279, જામનગર ઉત્તરમાં 230, જામનગર દક્ષિણમાં 197 અને જામજોધપુરમાં 281 મળીને જિલ્લામાં મતદાન મથકોની સંખ્યા 1287 હોવાનું પણ જામનગર જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારઘીની યાદીમાં જણાવાયું છે.
કેટલાંક જિલ્લાઓમાં સ્થાીનક ચૂંટણી તંત્ર અને માહિતી ખાતા વચ્ચે સંકલનના અભાવે નવી મતદાર યાદીની વિગતો જાહેર થવાની ઢીલ થઈ છે તો રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની સત્તાવાર વેબસાઈટ પર પણ આજે મોડી સાંજ સુધી તાજા આંકડા અપડેટા કરાયા નહોતા. બીજી તરફ દેવભૂમિ દ્વારકા, અમરેલી, જામનગર, જૂનાગઢ, ભાવનગર જેવા અમુક જિલ્લાઓમાં વિગતવાર માહિતી જાહેર કરી દેવામાં આવી હતી. હજુ પણ મતદાર યાદીમાં કોઇ પણ પ્રકારના સુધારા ફેરફારની જરૂર જણાય તો કોઇ પણ મતદારો વોટર હેલ્પલાઈન મોબાઇલ એપ્લિકેશન અથવા તો ૂૂૂ.ક્ષદતા.શક્ષ કે ૂૂૂ.દજ્ઞયિિાંજ્ઞિફિંહ.યભશ.લજ્ઞદ.શક્ષ નામની સરકારી વેબસાઈટ પર ઘેર બેઠા પોતાનું ફોર્મ ભરી શકે છે. ઉપરાંત રાજ્ય સરકારની ભયજ્ઞ.લીષફફિિ.ંલજ્ઞદ.શક્ષ વેબસાઈટ પરથી કોઇપણ વ્યકિત મતદાર યાદીમાં પોતાના નામ અને મતદાન મથક સહિતની વિગતો ઘેર બેઠા જાણી શકશે. જ્યારે મતદાર યાદી સંબંધિત અન્ય કોઇ પણ સમસ્યા માટે મતદારો 1995 નંબરની હેલ્પલાઈનનો સંપર્ક પણ કરી શકશે.