જામનગર અને દેવભૂમિ દ્વારકા રાજપૂત સેવા સમાજ દ્વારા ગઇકાલે મહારાણા પ્રતાપની 484મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત પ્રથમવાર રાજપૂત સમાજનું વાત્સલ્ય જમણ, લોક ડાયરો સહિતના આયોજનોની સાથે સાથે પૂર્વમંત્રી હકુભા અને હાલારના પ્રથમ રાજપૂત મહિલા ધારાસભ્ય રિવાબાની રક્તતુલા કરવામાં આવી હતી.
હિન્દુ સમ્રાટ મહારાણા પ્રતાપની જન્મ જયંતિની રાજપૂત સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મહારાણા પ્રતાપની 484મી જન્મ જયંતિ નિમિત્તે સૌરાષ્ટ્ર રાજપૂત સમાજની તન-મન-ધનથી ઉમદા સેવા કરનાર રાજપૂત સમાજના ગૌરવરૂપ વ્યક્તિ વિશેષ અને પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) તથા હાલારના પ્રથમ રાજપૂત મહિલા ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાની રક્તતુલા દ્વારા સન્માનનું આયોજન હોય, રાજપૂત સમાજના યુવાનોથી લઇ વડીલો મોટી સંખ્યામાં રક્તદાન માટે ઉમટયા હતાં. પટેલ કોલોની ખાતે આવેલ ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી ખાતે સૌપ્રથમ રક્તદાન કેમ્પ યોજાયો હતો. બપોરે 2 થી સાંજે 7 વાગ્યા સુધી યોજાયેલ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજ ઉમટયો હતો. ગઇકાલે હકુભાનો જન્મ દિવસ હોય, તેમને પણ જન્મદિવસ નિમિત્તે રક્તદાન કરી જન્મ દિવસની અનોખી ઉજવણી કરી હતી. આ રકતદાન કેમ્પમાં ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, પૂર્વ મંત્રી આર.સી.ફળદુ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભાજપા પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, જામનગર શહેર ભાજપા અધ્યક્ષ ડો. વિમલ કગથરા, મહામંત્રી મેરામણ ભાટુ, કોર્પોરેટરો અને રાજપૂત સમાજના અગ્રણીઓ તેમજ ઉપસ્થિત રહ્યાં હતાં.
રક્તદાન બાદ શોભાયાત્રા યોજાઇ હતી. જે ગુર્જર સુથાર જ્ઞાતિની વાડીથી પ્રસ્થાન થઇ શહેરના રાજમાર્ગો પર ફરી ક્રિકેટ બંગલા પાસે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમા ખાતે પૂર્ણ થઇ હતી. જ્યાં મહારાણા પ્રતાપની પ્રતિમાને પૂષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં રાજપૂત સમાજના આગેવાનો સહિત અનેક લોકો જોડાયા હતાં. શહેરમાં ઠેર-ઠેર આ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ધારાસભ્ય રિવાબા જાડેજાનું રક્તતુલાથી સન્માન કરવામાં આવ્યું હતું. આ રક્તતુલા બાદ જી.જી. હોસ્પિટલ સંલગ્ન બ્લડ બેંકને રક્તનું દાન કરવામાં આવ્યું હતું.
પૂર્વ રાજ્યમંત્રી અને ભાગ્ય લક્ષ્મી એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટના ટ્રસ્ટી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા રાજપૂત વાત્સલ્ય ભોજનનું આયોજન કરાયું હતું. તેમજ શહેરની ભાગોળે આવેલા પદમ પાર્ટી પ્લોટ ખાતે લોક ડાયરો યોજાયો હતો. જેમાં સુપ્રસિધ્ધ કલાકારો કિર્તીદાન ગઢવી, માયાભાઇ આહિર તથા કિંજલબેન દવેએ લોક સાહિત્ય પિરસ્યું હતું. આ લોક ડાયરામાં ડોલર સહિતની ચલણી નોટોનો વરસાદ થયો હતો. લોક ડાયરામાં ચલણી નોટોના વરસાદથી કલાકારો ફરતે નોટોના ઢગલા થયા હતાં.