રાજયમાં નવરચીત ભુપેન્દ્ર પટેલ સરકાર દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે એક મહત્વનો નિર્ણય લેવાની વિચારણા કરવામાં આવી રહી છે જે અંતર્ગત પ્રિ-પ્રાયમરી (પ્લે હાઉસ- નર્સરી) સ્કુલોનું રજીસ્ટ્રેશન પણ ફરજીયાત થશે. રાજયના શિક્ષણ વિભાગના માહિતગાર સૂત્રોએ કહ્યું કે શૈક્ષણિક ક્ષેત્રે સરકારે વધુ નિયમનકારી નીતિ તૈયાર કરી છે તેમાં કેજી (બાલમંદિર)ના બાળકોને ભણાવતા શિક્ષકો માટે પણ ન્યુનતમ શૈક્ષણિક યોગ્યતા ફરજીયાત થશે. અત્યારો પ્રિ-પ્રાયમરી સ્કુલો માટે કોઈ નિયમનો નથી. હવે પ્લે હાઉસ- કેજી ક્ષેત્રે પણ ફી નિયમન સહિતના નિયમનકારી નીતિ ઘડવા પરામર્શ શરૂ કરવામાં આવ્યો છે.
સરકારના અંદાજ પ્રમાણે રાજયમાં 40,000 જેટલી પ્રિ-પ્રાયમરી સ્કુલો છે પરંતુ તેના પર કોઈ નિયમનો નથી. નાના મકાનો- બંગલાઓમાં કાર્યરત છે. ફી અથવા શિક્ષકની લાયકાતના પણ નિયમો નથી. હવે સરકાર નિશ્ર્ચિત નિયમો ઘડવાનું વિચારે છે. આ દિશામાં ઘણા લાંબા વખતથી વિચારણા હતી જ
હવે તેનો મુસદ્દો તૈયાર કરી લેવામાં આવ્યો છે અને તુર્તમાં આખરી મંજુરી માટે સરકારને મોકલાશે. આ મુસદ્દાને નીતિનું સ્વરૂપ આપવુ કે કાયદાનુ તેનો નિર્ણય સરકાર કરશે. સૂત્રોએ ઉમેર્યું કે 2020ની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પ્રાથમીક શિક્ષણને બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું છે. એક ભાગમાં ધો.1થી5 તથા બીજામાં ધો.6થી8નો સમાવેશ કરાયો છે. આ સિવાય નર્સરી, જુનીયર કે.જી. તથા સીનીયર કે.જી. એમ પ્રિ-પ્રાયમરી છે. પ્રિ-પ્રાયમરી સ્કુલ પર કોઈ નિયમનો ન હોવાથી સરકાર પાસે કોઈ રેકોર્ડ નથી. હવે નવા સુચિત નિયંત્રણોથી પ્રિ-પ્રાયમરી સ્કુલો પર નિયમનો આવશે. ફી નિયત કરાશે. ઉપરાંત શૈક્ષણિક લાયકાત નકકી થશે. અત્યારે પ્લેહાઉસ-કે.જી.માં સ્વતંત્ર રીતે અલગ-અલગ ફી લેવાય છે. શિક્ષકોને નિશ્ર્ચિત માપદંડ પણ નથી એટલે ભુલકાઓના પાયાના જ્ઞાન વિશે જ સવાલ ઉભા થાય છે. પ્રિ-પ્રાયમરી સ્કુલનું રજીસ્ટ્રેશન શિક્ષણ વિભાગમાં કરાવવાનું કે મહિલા-બાળ વિકાસ વિભાગ હસ્તક તે હજુ સ્પષ્ટ નથી. રાજયમાં અનેક પ્રિ-પ્રાયમરી સ્કુલો 10,000થી માંડીને 80,000 સુધીની ફી વસુલે છે તેમાં અંકુશ આવશે.