Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરગાયક કલાકાર યુવતીનું બે ભાઈઓ સહિતના નવ શખ્સો દ્વારા ઢસડીને અપહરણ

ગાયક કલાકાર યુવતીનું બે ભાઈઓ સહિતના નવ શખ્સો દ્વારા ઢસડીને અપહરણ

નવાગામમાં આશ્રમે આવી દાદીમા સીરીયસના બહાને લઇ જવાનો નિષ્ફળ પ્રયાસ : ઉશ્કેરાયેલા બે ભાઈઓ સહિતનાઓેએ ધોકા વડે અને ઢીકાપાટુનો માર માર્યો : હાથ અને પગ ઢસડીને બળજબરીથી કારમાં અપહરણ કર્યુ : આશ્રમના લોકોને પતાવી દેવાની ધમકી

- Advertisement -

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તરેડ ગામની વતની અને હાલ કાલાવડમાં નવાગામમાં આશ્રમમાં રહેતી ગાયક કલાકાર યુવતીને પાંચ દિવસ પહેલાં સાંજના સમયે તેણીના જ બે સગા ભાઈ સહિતના નવ શખ્સોએ એક સંપ કરી દાદીમાની તબિયત સીરીયસ છે રાજકોટ હોસ્પિટલમાં તને જોવા બોલાવે છે તેમ કહી માર મારી અપહરણ કરી બળજબરીપૂર્વક ઉપાડી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

ચકચાર જગાવનાર અપહરણની વિગત મુજબ, ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તરેડ ગામની વતની અને હાલ કાલાવડ તાલુકાના નવાગામમાં જામવાડી રોડ પર આવેલા વિશ્વાસધામ આશ્રમમાં રહેતી અને સેવાપુજા કરતી ગાયક કલાકાર છાયાબેન કરશનદાસ મકવાણા (ઉ.વ.29) નામની યુવતી ગત તા.25 ના રોજ સાંજના 8 વાગ્યાના અરસામાં આશ્રમે હતી તે દરમિયાન તેણીનો જ સગો ભાઈ મોરારીદાસ કરશનદાસ મકવાણા, દયાનંદ કરશનદાસ મકવાણા તથા ઘનશ્યામ ભગવાનભાઈ ગોસ્વામી, સંજય જીવણભાઈ, દિનેશ મુળજી રાઠોડ, મનહર ઉર્ફે મુનાભાઇ વાળા, નંદરામદાસ બાપુ ઉર્ફે લાલબાપુ, રફિક હાસમ શેખ, રામ રૂખડભાઈ સોલંકી સહિતના નવ શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી આશ્રમમાં ગેરકાયદેસર પ્રવેશ કરી છાયાબેનને તેણીના જ ભાઈઓએ દાદીમા સીરીયસ છે અને રાજકોટની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તને જોવા માગે છે તેમ કહી રાજકોટ લઇ જવા માગતા હતા પરંતુ બહેને સાથે જવાની ના પાડી દીધી હતી.

જેથી ઉશ્કેરાયેલા બંને ભાઇઓએ યુવતીને મોઢા ઉપર તથા શરીરે આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ ગાડીમાંથી લાકડાના ધોકા કાઢી ધોકા વડે આડેધડ હુમલો કર્યો હતો. તેમજ આરોપીઓએ યુવતીને બે હાથ અને બે પગ ઢસડીને બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કરી લઇ ગયા હતાં અને અપહરણમાં આશ્રમમાં રહેતાં લોકોને પતાવી દેવાની ધમકી આપી હતી. બે સગા ભાઈઓ સહિતના નવ શખ્સોએ ગાયક કલાકાર યુવતીનું માર મારીને બળજબરીપૂર્વક ઢસડીને અપહરણ કરી ગયાના બનાવ અંગેની જાણ કરાતા એસસીએસટી સેલના ડીવાયએસપી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત કારમાં અપહરણ થયાની ઘટના સંદર્ભે પોલીસે નાકાબંધી અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જામકંડોરણા નજીક આવેલી ચેકપોસ્ટ પાસેથી કારને આંતરીને પોલીસે યુવતી છાયાબેનને મુકત કરાવી હતી. ત્યારબાદ છાયાબેનના નિવેદનના આધારે કાલાવડ પોલીસે નવ શખ્સો વિરૂધ્ધ અપહરણ, એટ્રોસિટી, રાયોટીંગ, ધમકી અને હુમલાનો ગુનો નોંધી બે ભાઈઓ સહિતના નવ શખ્સો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular