જામનગર નજીક આવેલા સપડા ડેમમાં શનિવારે સાંજે ન્હાવા પડેલા પતિ-પત્ની અને પુત્ર સહિત પાંચ વ્યક્તિઓના ડુબી જવાથી મોત નિપજ્યાની ઘટનાથી અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ પાંચેય મૃતકોની અંતિમ યાત્રા એક સાથે નિકળતા વાતાવરણ શોકમય બની ગયું હતું. એક સાથે પાંચ વ્યક્તિઓના મોતની ઘટનાના પગલે દિગ્વીજય પ્લોટ વિસ્તારના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
મળતી માહિતી મુજબ, જામનગર શહેરમાં આવેલા 60 દિગ્વિજય પ્લોટના છેડે રહેતા અને જૂની પોસ્ટ ઓફિસ પાસે ગજાનંદ ટ્રેડીંગ પ્રોવીઝન સ્ટોર્સ ધરાવતા મહેશભાઈ કાનજીભાઈ મંગે પોતાના પરિવાર સાથે શનિવારે સાંજે સપડા ડેમ ફરવા ગયા હતા. ત્યારે આ પરિવારના સભ્યો ડેમમાં ન્હાવા પડ્યા હતા અને ન્હાવા પડેલા લોકો ડૂબી જતા આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેના આધારે ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોચી જઈ ડેમમાંથી શોધખોળ હાથ ધરતા બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓના મૃતદેહો મળી આવ્યા હતા. પોલીસે મહેશભાઈ કાનજીભાઈ મંગે (ઉ.વ.42), લીલાબેન મહેશભાઈ મંગે (ઉ.વ.40), સિદ્ધાર્થ મહેશભાઈ મંગે (ઉ.વ.19) અને અનિતાબેન ઉર્ફે શિતલબેન વિનોદભાઈ દામા (ઉ.વ.45) તથા રાહુલ વિનોદ દામા (ઉ.વ.17) ના મૃતદેહો હોવાની ઓળખ થઇ હતી જેના આધારે પીએસઆઈ જે.પી. સોઢા તથા સ્ટાફે મૃતકોના પરિવારજનોને જાણ કરવા અને પીએમ માટે મોકલવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
એક જ પરિવારના પતિ-પત્ની અને પુત્ર સહિત ત્રણ વ્યકિત તથા બાજુમાં રહેતા માતા અને પુત્ર સહિત પાંચ વ્યક્તિઓના એક સાથે મોત નિપજ્યાની ઘટનાએ અરેરાટી ફેલાવી દીધી હતી. દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં એક સાથે પાંચ-પાંચ વ્યક્તિઓના મોત નિપજયાની ઘટના બાદ રવિવારે આ પાંચેય મૃતકોની અંતિમ યાત્રા નિકળી હતી. એક સાથે પાંચ લોકોના મોત નિપજતા દિગ્વીજય પ્લોટના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શનિવારે બનેલી ગોઝારી ઘટનામાં મોરારીબાપુએ મૃતકોના પરિવારજનોને 15-15 હજાર રૂપિયાની સહાય જાહેર કરી ચિત્રકૂટધામ તલગાજડા હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.