જામજોધપુર તાલુકાના બાલવા ગામના રેલવે સ્ટેશન પાસે રહેતાં અને મજૂરી કામ કરતા યુવાનની પુત્રીને પેરામેડીકલ કોમ્યુનિટી કોલેજ અમદાવાદમાં એડમિશન અપાવી દેવાના બહાને રૂ.5,00,000 ની રકમ અંગત ઉપયોગમાં લઇ વાપરી નાખી છેતરપિંડી અને વિશ્ર્વાસઘાતની ત્રણ શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે એલસીબીએ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના બાલવા રેલવે સ્ટેશન પાસે રહેતાં અને મજૂરી કામ કરતા રામજીભાઈ બાબુભાઈ ઝીંઝુવાડિયા નામના યુવાનની પુત્રીને અમદાવાદમાં આવેલી પેરામેડીકલ કોમ્યુનિટી કોલેજમાં એડમીશન લેવાનું હોય આ એડમિશન માટે અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા ત્રિવેણી પાર્કમાં રહેતી રેખાબેન જયંતી ઝીંઝુવાડિયા, જૂનાગઢમાં રહેતા જયંતી મોહનભાઈ ઝીંઝુવાડિયા અને વિશાલ જયંતી ઝીંઝુવાડિયા નામના ત્રણ શખ્સોએ રામજીભાઈને વિશ્વાસમાં લઇ એડમીશનના બહાને રૂ.5,70,000 ની રકમ સમયાંતરે પડાવી લીધી હતી તેમજ આ રકમમાંથી ફી ના રૂ.10 હજાર ભર્યા હતાં બાકીની રકમ ત્રણેય શખ્સોએ પોતાના અંગત ઉપયોગમાં ખર્ચ કરી નાખી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. આ છેતરપિંડી પ્રકરણમાં ભોગ બનનાર રામજીભાઈ દ્વારા જાણ કરવામાં આવી હતી.
જેના આધારે પીઆઈ એમ.એન. ચૌહાણ તથા સ્ટાફે રામજીભાઈના નિવેદનના આધારે અમદાવાદમાં રહેતા રેખાબેન જયંતી ઝીંઝુવાડિયા, જૂનાગઢમાં રહેતા જયંતી મોહનભાઈ ઝીંઝુવાડિયા અને વિશાલ જયંતી ઝીંઝુવાડિયા નામના પિતા-પુત્ર અને પુત્રી સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી. પોલીસ તપાસ દરમિયાન આ ત્રણેય શખ્સો રામજીભાઈના કૌટુંબિક જ હોવાનું અને તેમણે જ એડમીશનના બહાને છેતરપિંડી આચરી હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલતાં ત્રણેયની ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.