જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર આવેલા રિલાયન્સ મોલ રાજસ્થાન અને જામનગર સહિતના છ શખ્સોએ રૂા.63 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ હતી જેમાં હલ્કી ગુણવતાવાળો માલ મોકલી દઇ 35 લાખ તેમજ ઓછો માલ મોકલી 26 લાખની છેતરપિંડી આચરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર-ખંભાળિયા રોડ પર મેઘપર નજીક આવેલા રિલાયન્સ મોલમાં આવતા સામાનમાં ઓછો માલસામાન મોકલી અને હલ્કી ગુણવતાવાળો માલ ધાબડી દીધો હોવાનું જણાતા મોલના કર્મચારી જોનસીંગ ચાવડાએ નોંધાવેલી પોલીસમાં ફરિયાદમાં મોલમાં મોકલવામાં આવતા માલમાં પૂર્વ આયોજીત કાવતરુ રચી રાજસ્થાનના લલિત નવારામ ભારતી, માંગીલાલ નવારામ ભારતી, ઉત્તરપ્રદેશના શિવપુજન રામપ્રસાદ તિવારી અને સચીનસિંહ શૈલેન્દ્રસિંહ, ચેનારામ, જામનગરના જયપાલસિંહ ચુડાસમા સહિતના છ શખ્સોએ 26,60,400 નો માલ ઓછો મોકલ્યો હતો અને અમેરિકન શકરિયાની સારી ગુણવતાને બદલે હલ્કી ગુણવતાવાળા અમેરિકન શકરિયા મોકલી રૂા.36,51,375 ની છેતરપિંડી આચરી હતી. આમ 6 શખ્સો દ્વારા રિલાયન્સ મોલ સાથે રૂા.63,11,775 ની છેતરપિંડી આચરી વિશ્ર્વાસઘાત કર્યો હતો. આ અંગે પીએસઆઇ વાય.બી. રાણા તથા સ્ટાફે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.