જામનગર શહેરમાં શાકમાર્કેટ વિસ્તારમાં રહેતા કોન્ટ્રકટર પાસેથી નામચીન શખ્સે ખંડણી માગી હતી અને જો ખંડણી નહિ આપે તો ખોટા કેસમાં ફીટ કરવાની ધમકી આપી અને કોન્ટ્રાક્ટરની પત્નીને મીઠાઈના બોક્ષમાં હથિયાર અને કાર્ટીસ આપી ગયાના બનાવમાં સીટી એ ડીવીઝન પોલીસે પાંચ શખ્સો ને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં જૂની શાકમાર્કેટ ભોયવાડા વિસ્તારમાં રહેતા કોન્ટ્રકટર સંજય છગનલાલ ચુડાસમા નામના યુવાન પાસેથી કોન્ટ્રાક્ટનું કામ ચાલુ રાખવા માટે ઇકબાલ બાઠીયા નામના શખ્સે અવારનવાર કોન્ટ્રકટર પાસે ખંડણી માંગી હતી અને કોન્ટ્રાક્ટરે ખંડણી આપવાની ના પાડી હતી. જેથી ઇકબાલે અન્ય ચાર શખ્સો સાથે મળીને કોન્ટ્રકટરને ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી. તેમજ ઇકબાલ સહિતના પાંચ શખ્સોએ કોન્ટ્રાક્ટરના ઘરે જઈ તેની પત્નીને મીઠાઈના બોક્ષમાં એક હથિયાર અને ત્રણ કાર્ટીસ ધાબડી ગયા હતા. મીઠાઈના બોક્ષમાંથી હથિયાર અને કાર્ટીસ નીકળતા ભયભીત થયેલા કોન્ટ્રકટરના પત્નીએ તેના પતિને જાણ કરી હતી. ત્યારબાદ કોન્ટ્રાક્ટરે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી ડીવાયએસપી વરુણ વસાવાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ બી.એસ.વાળા, હેકો દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, રવિન્દ્રસિંહ પરમાર, સુનિલભાઈ ડેર, પો.કો. શિવરાજસિંહ રાઠોડ, રવિરાજસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ સોઢા, વિક્રમસિંહ જાડેજા, ખોડુભા જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા, રૂષિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે તપાસ આરંભી હતી.
પોલીસની ટીમે બનાવ સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજોના આધારે ઇકબાલ બાઠીયો અંગેની પો.કો. યોગેન્દ્રસિંહ સોઢા, ઋષિરાજસિંહ જાડેજા, હે.કો.રવિરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ટીમે ઇકબાલ ઉર્ફે બાઠીયો ઉમર નાયક, હિમાંશુ ઉર્ફે કાનો નરેશ પરમાર, સિકંદર ઉર્ફે ડાડો ઇશાક હાલાણી અને રમેશ ઉર્ફે ગોખરી દેવજી મકવાણા નામના શખ્સોને બચુનગર તરફથી વાઘેરવાડા બાજુ આવતા સમયે જીજે10બીકે 7330 અને જીજે10 સીજે 1637 માં આવતા શખ્સોને દબોચી લીધા હતાં. આ શખ્સો પાસેથી 55000ની કિંમતની બે બાઇક કબ્જે કરી પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસે પૂછપરછ દરમ્યાન ઇકબાલ બાઠિયાની પૂછપરછમાં ઇકબાલે 19 જેટલા ગુનાઓ આચર્યા છે જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, રાયોટીંગ, દારૂ, હથિયાર, મારા-મારી સહિતના ગુનાઓમાં સંડોવણી ખુલી હતી. જેના આધારે પોલીસે ચાર શખ્સોના રિમાન્ડ મેળવવા અને વિરલ શુક્લ નામના શખ્સને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.