ઉનાળુ પિયત માટે ખેડૂતો દ્વારા પાણીની માગણી કરવામાં આવ્યા બાદ સિંચાઇ વિભાગ હસ્તકના જામનગર તાલુકાના ઉંડ-1 ડેમનું 60 એમસીએફટી પાણી છોડીને હેઠવાસના 13 ગામોના 12 ચેકડેમ ભરવાની જાહેરાત કરાયા બાદ ડેમના ચાર દરવાજા ખોલવામાં આવતાં હેઠવાસના ગામોના ખેડૂતોમાં આનંદ છગાયો હતો.
જામનગર તાલુકાના નંદપુર ગામ પાસે આવેલા ઉંડ-1 સિંચાઇ યોજનામાંથી ડેમના નિચાણવાસમાં આવેલા ચેકડેમ ભરવા માટે સરકારે મંજૂરી આપી છે. જે અનુસંધાને ગઇકાલે તા. 21ના રોજ સવારે 10:30 વાગ્યા બાદ ઉંડ-1 ડેમના ચાર દરવાજા દોઢ-દોઢ ફૂટ ખોલવામાં આવ્યા હતાં. જેથી નીચાણવાસમાં આવતાં ગામો ધ્રાંગડા, ખંભાલિડા, મોટાવાસ, નાનોવાસ, રોજીયા, રવાણી ખિજડીયા, તમાચણ, માનસર, હમાપર, વિરાણીખિજડીયા, વાંકીયા, સોયલ અને નથુવડલા ગામમાંથી પસાર થતી નદી ભરઉનાળે બે કાંઠે વહતૌ ગામ લોકો અને ખેડૂતોમાં આનંદ છવાઇ ગયો હતો.
ઉંડ-1 સિંચાઇ યોજનાના ઉપરવાસમાં ટીબીસી વિસ્તારમાં જો પિયત ચાલુ હોય તો તે બંધ કરીને તેઓની મોટર કે મશિનરી ત્યાંથી દૂર કરીને ત્યાં જરુરી વ્યવસ્થા ઉભી કરી હતી. લોકોના પટમાં અવર-જવર કરવી નહીં તેમજ ઢોર-ઢાંખર ચરાવવા માટે કે વાડા વાવનારાઓને નદીના પટમાં અવર-જવર ન કરવા માટે અગાઉ જ સૂચના આપવામાં આવી હતી.