26 જુલાઈ 2008 એટલે કે 13 વર્ષ 6 મહિના પહેલા સાંજના સમયે અમદાવાદ બોમ્બ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યું હતું. શહેરમાં 20 સ્થળોએ 21 બોમ્બ બ્લાસ્ટ થયા હતા. જેમાં 56 લોકોનાં મોત અને 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે આજે રોજ સ્પેશિયલ કોર્ટ દ્વારા આ સીરીયલ બોમ્બ બ્લાસ્ટનો ચુકાદો સંભળાવવામાં આવ્યો છે.જજ એ.આર. પટેલ દ્વારા ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. જેમાં કુલ 77 માંથી 28 આરોપીઓ પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે જયારે 49 આરોપીઓ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જેની સજાનું એલાન આવતીકાલે સવારે 10:30 વાગ્યે થશે.
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં સૌ પ્રથમવાર સ્પેશિયલ કોર્ટ દ્વારા વર્ચ્યુઅલ ચુકાદો આપવામાં આવ્યો છે. સિરિયલ બ્લાસ્ટ કેસના 77 આરોપી દેશનાં 7 રાજ્યની વિવિધ જેલોમાં છે. અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં 49, મધ્યપ્રદેશના ભોપાલની જેલમાં 10, મહારાષ્ટ્રમાં મુંબઈની તલોજા જેલમાં 4, કણાર્ટકના બેંગલુરુની જેલમાં 5, કેરળની જેલમાં 6, જયપુરની જેલમાં 2 અને દિલ્હીની જેલમાં 1 આરોપી છે. આ કેસના હજુ 8 આરોપીઓ ફરાર છે.
26 જુલાઈ 2008નાના રોજ અમદાવાદમાં 20 જગ્યાએ 21 બ્લાસ્ટ થયા
અમદાવાદમાં 26 જુલાઈ 2008માં 21 સિરિયલ બ્લાસ્ટ થયા હતા. જેમાં 58 લોકોના મૃત્યુ થયા. અને 244 લોકોને ઇજા થઇ. બ્લાસ્ટની જવાબદારી આતંકી સંગઠન ઇન્ડિયન મુઝાહિદ્દીન દ્વારા સ્વીકારવામાં આવી હતી. જેમાં રિયાઝ, ઇકબાલ, યાસીન ભટકલની આ સમગ્ર મામલે માસ્ટરમાઇન્ડની ભૂમિકા હતી. આતંકીઓએ બ્લાસ્ટનું પ્લાનિંગ કેરળના જંગલોમાં કર્યું હતું. ત્યારે બ્લાસ્ટ બાદ આતંકીઓનું મોડ્યુલ સામે આવતા તપાસની જવાબદારી ખાસ અધિકારીઓને સોંપી દેવાઇ હતી, અને 19 દિવસમાં જ કેસ ઉકેલાયો હતો. આ કેસમાં અમદાવાદમાં 20 અને સુરતમાં 15 ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં કુલ 78 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા.