જામનગર શહેરમાં સૌરાષ્ટ્રની મોટામાં મોટી ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ આવેલી છે. જ્યારે જામનગર જિલ્લા તથા આખા સૌરાષ્ટ્રમાંથી દરરોજના હજારો વ્યક્તિ સારવાર અર્થે આવતાં હોય છે. આ હોસ્પિટલમાં સામાન્ય શરદી-તાવ જેવી બિમારી માટે ઓપીડી મફતમાં હોય છે. પરંતુ કેન્સર અથવા કોઇપણ ગંભીર બિમારી હોય તો તેના માટે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ હોવું જરૂરી છે. ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે જાય ત્યારે બરોબર છે કે, આયુષ્યમાન કાર્ડ હોવું જોઇએ. પરંતુ સરકારી હોસ્પિટલમાં પણ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ હોય તો ગંભીર બિમારીમાં સારવાર મળે છે. જે અંગે યોગ્ય કરવા ખંભાળિયાના ધારાસભ્ય દ્વારા રાજ્યના આરોગ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
જામનગર શહેરમાં જી.જી. સરકારી હોસ્પિટલ કે, જ્યાં સૌરાષ્ટ્રમાંથી દરરોજ હજારો દર્દીઓ મફત સારવાર અર્થે આવે છે. તે સારી બાબત છે. પરંતુ અહીં આવ્યા બાદ દર્દીઓને ફકત નિરાશા જ અનુભવાય છે. સામાન્ય તાવ, શરદી, ઉધરસ, હાથ-પગના દુ:ખાવા આ રોગો માટે તો તેમને ઓપીડીમાં ડોકટર તપાસીને દવા આપી દે છે. પરંતુ જ્યારે કોઇ ગંભીર બિમારી જેવી કે, કેન્સર, હૃદયરોગ, પેરાલીસીસ, હાથ-પગ ભાંગી જવાથી ઓપરેશન કરવાના અન્ય પેટના દુ:ખાવો આવી અસંખ્ય બિમારી માટે, દર્દીને દાખલ કરવાની જરુરીયાત ઉભી થતી હોય છે. ત્યારે દર્દીને દાખલ કરી નિદાન માટે સીટી સ્કેન, એમઆરઆઇ તપાસ, કોઇપણ સામાન્ય ઓપરેશન કરવાનું થાય છે. ત્યારે દર્દીના સગા-વ્હાલાને પૂછવામાં આવે છે કે, પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ છે કે કેમ? આવા સંજોગોમાં જો દર્દી કાર્ડ ધારક ના હોય તો દર્દીના ઓપરેશન, કેન્સર જેવી ગંભીર જીવલેણ બિમારીમાં દર્દીને રેડિયોથેરાપી (શેક આપવાની સારવાર), કિમોથેરાપી (ડોઝ આપવાની સારવાર) આપવામાં આવતી નથી. દર્દીને કાર્ડ કઢાવવા સૂચવવામાં આવે છે એટલે કે, સામાન્ય રીતે ‘પ્રધાનમંત્રીની જય બોલો’ અને ‘પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ’ કઢાવો તો જ સારવાર મફત મળી શકે. ખરેખર સરકાર દ્વારા જાહેરાતો એવી રીતે કરવામાં આવે છે કે, પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ ગરીબ દર્દીને ખાનગી હોસ્પિટલમાં મફત સારવાર મેળવવા માટે આપવામાં આવે છે. જ્યારે હકીકત એવી છે કે, જ્યારે કોઇપણ ગરીબ દર્દીને ગંભીર રોગ કે અસાધ્ય રોગ માટે સારવાર સરકારી હોસ્પિટલમાં લેવાની થાય ત્યારે પણ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ વગર સારવાર મળતી જ નથી. આ બાબતની ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા આરોગ્ય મંત્રીનું ધ્યાન દોરી ગરીબ દર્દીઓ પ્રત્યે સંવેદના દાખવી ગુજરાત રાજ્યની પ્રજા માટે તમામ સરકારી હોસ્પિટલમાં કાર્ડ વગર પણ વિનામૂલ્યે સારવાર આપવામાં આવે તેવી સખ્ત શબ્દોમાં રજૂઆત કરી છે.