જામનગર નજીક આવેલા સપડા ડેમમાં આજે સાંજે ન્હાવા પડેલા પાંચ લોકો ડૂબ્યાની જાણ થતા ફાયર, પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોચી ગઈ હતી. ફાયર ટીમ દ્વારા ડેમમાં શોધખોળ કરાતા બે મહિલા સહીત પાંચ વ્યક્તિઓના મૃતદેહો મળી આવતા પોલીસે ઓળખ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ જામનગર શહેરમાં આવેલા દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ગજાનંદ પ્રોવિઝન સ્ટોર ચલાવતા મહેશભાઈ કારાભાઈ મંગે પોતાના પરિવાર સાથે આજે બપોરે સપડા ડેમ ફરવા ગયા હતા. ત્યારે આ પરિવારના સભ્યો ડેમમાં નહાવા પડ્યા હતા અને ન્હાવા પડેલા લોકો ડૂબી જતા આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેના આધારે ફાયરટીમ તાત્કાલિક સ્થળ પર પહોચી જઈ ડેમમાંથી શોધખોળ હાથ ધરતા બે મહિલા સહીત પાંચ વ્યક્તિઓના મૃતદેહો મળી આવ્યા હતા. પોલીસના પ્રાથમિક તારણમાં મહેશભાઈ મંગે (42), લીલાબેન મંગે (40), સિદ્ધાર્થ મંગે (19) અને અનિતાબેન વિનોદ દામા (40) તથા રાહુલ વિનોદ દામા (17)ના મૃતદેહો હોવાની ઓળખ થઇ હતી, જેના આધારે પોલીસે મૃતકોના પરિવારજનોને જાણ કરવા અને પીએમ માટે મોકલવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.