Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં રાતભર વરસ્યો મેઘો, પાંચ ઈંચ વરસાદ - VIDEO

જામનગર શહેરમાં રાતભર વરસ્યો મેઘો, પાંચ ઈંચ વરસાદ – VIDEO

- Advertisement -

જામનગર શહેરમાં સોમવારની રાતથી ધીમે ધારે મેઘાએ વરસવાનું શરૂ કર્યુ હતું. જે આખી રાત કાચા સોના રૂપે વરસ્યો હતો અને સવાર બપોરે 12 વાગ્યા સુધીમાં પાંચ ઈંચ જેટલું વરસાવી દીધું હતું. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં તેમજ રાજાશાહી સમયના લાખોટા તળાવમાં નવા નીરની આવક થઈ હતી ઉપરાંત જામનગરના જીવાદોરી સમાન રણજીતસાગર ડેમમાં પણ એક ફૂટ પાણી નવુ આવ્યું હતું. જિલ્લાનાં જોડિયામાં છ અને ધ્રોલમાં પાંચ ઈંચ તેમજ કાલાવડમાં અઢી અને લાલપુરમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો.

- Advertisement -

ચોમાસાના પ્રારંભથી જ સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ રહી છે અને છેલ્લા એક સપ્તાહથી અવિરત મેઘસવારીના કારણે અનેક જિલ્લાઓમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે જેના કારણે ઘરોમાં પાંચ-પાંચ છ-છ ફૂટ પાણી ભરાયાની પરિસ્થિતિ નિર્માણ પામી છે. ત્યારે જામનગર શહેર અને જિલ્લામાં પણ મેઘસવારી અવિરત રહી છે અને શહેરમાં સોમવારે રાત્રિના ધીમે ધારે શરૂ થયેલો મેઘો મંગળવારે બપોર સુધી સતત વરસી રહ્યો છે. આ અવિરત મેઘસવારીના કારણે જામનગર શહેરમાં પાંચ ઇંચથી વધુ પાણી આકાશમાંથી વરસી ગયું છે. જેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે અને માર્ગો પર પણ પાણી ફરી વળ્યા છે. શહેર અને જિલ્લામાં થયેલી મેઘસવારીના કારણે શહેરની મધ્યમાં આવેલા રાજાશાહી સમયના લાખોટા તળાવમાં નવા નીરની આવક થવાથી શહેરીજનોમાં આનંદની લાગણી છવાઈ ગઇ હતી તેમજ જામનગર તાલુકાના આંકડાઓમાં વસઇમાં સૌથી વધુ ચાર ઈંચ અને અલિયાબાડામાં ત્રણ ઈંચ, મોટી બાણુંગારમાં અઢી અને જામવણથલી, ધુતારપુર, લાખાબાવળમાં બે-બે ઈંચ તેમજ ફલ્લામાં પોણા બે અને દરેડમાં સવા ઈંચ પાણી વરસ્યું હતું.

- Advertisement -

જોડિયા તાલુકામાં આ વર્ષે પણ મેઘો વધુ મહેરબાન રહ્યો છે અને ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે બપોરે 12 વાગ્યા સુધીમાં સાડા છ ઈંચ જેટલું પાણી વરસાવ્યું છે. ધીમી ધારે કાચા સોના રૂપે વરસતા વરસાદને કારણે જગતનો તાત ખુશખુશાલ થઈ ગયો છે અને તાલુકા મથકમાં હડિયાણામાં ત્રણ, પીઠડમાં દોઢ અને બાલંભામાં સવા ઈંચ પાણી પડયું છે. ધ્રોલમાં બપોરે 12 વાગ્યા સુધીમાં સાડા પાંચ ઈંચ વરસાદ પડયાના અહેવાલ છે. જ્યારે તાલુકા મથકે લતીપરમાં અઢી ઈંચ અને લૈયારામાં સવા બે ઈંચ તથા જાલિયાદેવાણીમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.

કાલાવડમાં પણ મેઘસવારી અવિરત રહેતાં બપોરે 12 વાગ્યા સુધીમાં ધીમે ધારે ત્રણ ઈંચ જેટલું પાણી આકાશમાંથી પડી ગયું છે. જ્યારે તાલુકાકક્ષાએ મોટા વડાળા ગામમાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ અને નિકાવામાં ત્રણ તથા ભલસાણ બેરાજામાં અઢી તેમજ ખરેડીમાં બે અને મોટા પાંચદેવડા તથા નવાગામમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. કાલવાડ પંથકમાં આવેલ ઉંડ-4 ડેમ ઉપરવાસના ભારે વરસાદને કારણે ઓવરફલો થયો છે. જામજોધપુર ગામમાં માત્ર સામાન્ય છાંટા પડયા હતાં. જ્યારે તાલુકા કક્ષાએ શેઠવડાળામાં અને ધ્રાફામાં પોણા બે ઈંચ પાણી પડયું હતું અને વાંસજાળિયામાં પોણો ઈંચ તથા સમાણા, ધુનડા, પરડવા અને જામવાડીમાં ઝાપટારૂપે અડધા ઈંચ જેટલો વરસાદ પડયો છે. લાલપુરમાં ઝરમર-ઝરમર ધીમી ધારે એક ઈંચ જેટલું પાણી પડયું હતું અને ગ્રામ્ય વિસ્તારોમાં પીપરટોડામાં દોઢ ઈંચ તથા ડબાસંગમાં સવા ઈંચ અને પડાણા, મોડપરમાં પોણો-પોણો ઈંચ તથા ભણગોર અને મોટા ખડબામાં અડધો અડધો ઈંચ પાણી પડયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular