જામનગરના નવાગામ ઘેડમાં રહેતાં રિક્ષા ચલાવતા યુવાનના પુત્રને યુવતી સાથે મૈત્રી સંબંધ હોવાનું યુવતીના પિતાને ગમતુ ન હોય જેનો ખાર રાખી પૂર્વ આયોજિત કાવતરુ રચી ચાર શખ્સોએ રિક્ષામાં મૂકી જવા ભાડુ નકકી કરી લીમડાલાઈનમાં યુવતીના પિતા સહિતના છ શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો હતો.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના નવાગામ ઘેડ મિલન સોસાયટી પાસે રહેતાં જયેન્દ્રસિંહ ફતેસિંહ મહિડા નામના રિક્ષા ચલાવતા યુવાનના પુત્ર ગીરીરાજને મુન્નોે ઢીંગીની પુત્રી સાથે મૈત્રી સંબંધ હતો જે મૈત્રી યુવતીના પિતાને ગમતી ન હોવાનો ખાર રાખી પૂર્વ આયોજિત કાવતરુ રચ્યું હતું. અને તેમાં ચાર અજાણ્યા શખ્સોએ જયેન્દ્રસિંહની રિક્ષામાં જીઆઈડીસી ગેઈટ જવા 200 રૂપિયાનું ભાડુ નકકી કર્યુ હતું અને ત્યારબાદ ચાર શખ્સોને લઇ જતા જયેન્દ્રસિંહની રીક્ષાને લીમડાલાઈન વિસ્તારમાં રોકી હતી ત્યારબાદ જયેન્દ્રસિંહને ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારે મુન્નો ઢીંગી તથા એક અજાણ્યા શખ્સે આવીને ધોકા અને પાઈપ વડે જયેન્દ્રસિંહ ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવાનને હાથ-પગમાં ઈજાઓ થઈ હતી. ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પીએસઆઈ જે.પી. સોઢા તથા સ્ટાફે મુન્નો ઢીંગી સહિતના છ શખ્સો વિરૂધ્ધ પૂર્વ આયોજિત કાવતરુ રચી હુમલો કર્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.