જામનગર શહેરના હવાઇચોક વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાંથી સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન રૂા. 18,108ની કિંમતનો દેશી તથા વિદેશી દારૂ કબ્જે કરી ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. લાલપુર તાલુકાના ઝાખર ગામના પાટિયા પાસેથી પોલીસે દારૂની બોટલ સાથે શખ્સને ઝડપી લીધો હતો.
દારૂના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના હવાઇચોક વિસ્તારમાં આવેલા ભાનુશાળી વાડ, શેરી નંબર એકમાં આવેલા મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન સંદીપ ઉર્ફે ગોપાલ ભરત કનખરાના મકાનમાં તલાશી લેતાં રૂા. 1400ની કિંમતનો સાત લીટર દેશી દારૂ અને રૂા. 3920ની રોકડ રકમ તથા એક મોબાઇલ ફોન મળી આવ્યા હતા. તેમજ ભરત ગોવિંદ કનખરા પાસેથી રૂા. 1800ની રોકડ અને અજય ઉર્ફે લાલો ભરત કનખરા પાસેથી રૂા. 5988ની કિંમતની ચાર બોટલ દારૂ મળી કુલ રૂા. 18,108ના મુદામાલ સાથે પિતા અને બે પુત્રોને દેશી તથા ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં દારૂના જથ્થામાં લક્ષ્મીબેન બાવરીની સંડોવણી ખુલી હતી.
બીજો દરોડો લાલપુર તાલુકાના ઝાખર ગામના પાટિયા પાસેથી પસાર થતાં મુકેશકુમાર કિશુનલાલ પાલ (ઉ.વ.32) નામના પરપ્રાંતિય શખ્સની તલાશી લેતાં તેની પાસેથી રૂપિયા બે હજારની કિંમતની ચાર બોટલ દારૂ મળી આવતા મેઘપર પડાણા પોલીસે તેની ધરપકડ કરી હતી.


