જામનગર શહેરના વામ્બે આવાસમાં છઠ્ઠા માળે આવેલા મકાનમાં મોબાઇલ નંબર લેવા ગયેલા યુવાનને બે શખ્સોએ ઘરમાં પૂરી ઢીકાપાટુનો માર મારી રૂા. 70 હજાર બળજબરીપૂર્વક પડાવી લીધાં હતાં.
બનાવની વિગત મુજબ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નાના રામપર ગામનો વતની અને હાલ જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં મોમાઇનગર, શેરી નંબર પાંચમાં રહેતો અને નોકરી કરતો દિનેશભાઇ હીરાભાઇ પઢારિયા (ઉ.વ.33) નામનો યુવાન ગત્ તા. 11ના રોજ વહેલી સવારના સમયે વૂલન મીલ પાસે આવેલા વામ્બે આવાસમાં છઠ્ઠા માળે રહેતાં ગુડી ફિરોઝ મકરાણીના ઘરે મોબાઇલ નંબર લેવા ગયો હતો ત્યારે ગુડીએ ઘરનો દરવાજો બંધ કરી ગુડી તથા તેના પિતા ફિરોઝ મકરાણી નામના બન્ને શખ્સોએ દિનેશને ઢીકાપાટુનો માર મારી અહીંથી બચીને જવું હોય તો રૂા. 70 હજાર આપવા પડશે. નહીંતર મારી નાખશું તેવી ધમકી આપી દિનેશ પાસેથી ફોન પે મારફતે રૂા. 70 હજાર બળજબરીપૂર્વક પડાવી લીધા હતા. આ બનાવ અંગેની દિનેશ દ્વારા જાણ કરાતા પીએસઆઇ કે. એમ. ચાવડા તથા સ્ટાફે પિતા-પુત્ર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


