કાલાવડ તાલુકાના હરિપર મેવાસા ગામમાં રહેતા બે શખ્સો દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરી દૂધમાં પાવડર અને વનસ્પતિ ઘી ભેળસેળ કરી અખાદ્ય દૂધ બનાવી વેચાણ કરાતું હોવાની બાતમીના આધારે એસઓજીની ટીમે ફૂડ ઈન્સ્પેકટર સાથે રેઈડ દરમિયાન રૂા.5.34 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના હરિપર મેવાસા ગામમા રહેતા રાજુ બટુક ભારાઈ અને તેના માણસ ભલા રમેશ મકવાણા નામના બે શખ્સો દ્વારા તેમના રહેણાંક મકાનમાં બનાવટી દૂધ બનાવી વેંચાણ કરતા હોવાની એસઓજીના અરજણ કોડિયાતર, દિનેશ સાગઠીયા, રમેશ ચાવડાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી પીઆઈ આર.વી. વીંછી તથા સ્ટાફ દ્વારા ફૂડ ઈન્સ્પેકટરને સાથે રાખી રેઈડ દરમિયાન મકાનમાંથી દૂધમાં પાવડર તથા વનસ્પતિ ઘી ની ભેળસેળ કરી બનાવટી દૂધ બનાવી તેનું વેંચાણ કરાતા સ્થળેથી દૂધ બનાવવા માટેના પાવડરના 17 નંગ મોટા બાચકા અને વનસ્પતિ ઘી ના 42 ડબ્બા સહિત કુલ રૂા.5,34,025 ની કિંમતનો મુદ્દામાલ સીઝ કરી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી ધરપકડ કરી હતી. તેમજ પૂછપરછ દરમિયાન આ બનાવટી ફેકટરી પાંચ વર્ષથી ચાલતી હોવાનું ખુલ્યું હતું. જેના આધારે પોલીસે બન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.