જામનગર શહેરના પોશ વિસ્તારોમાં આવારા અને લુખ્ખા તત્વો દ્વારા લૂંટ અને તોડતાડ કરાતી હોવાની ઘટનાઓમાં આખરે પોલીસે ગુનો નોંધી ત્રણ શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. સુમેર કલબ રોડ પરથી પસાર થતા બાઈકસવાર સાથે ત્રણ શખ્સોએ બાઈક ભટકાડી પાંચ હજારની તોડ કરવાના બહાને કાઠલો પકડી રોકડ બે હજારની લૂંટ ચલાવી ધમકી આપી હતી.
જામનગર શહેરના કેટલાંક પોશ વિસ્તારોમાં આવારા અને લુખ્ખા તત્વો દ્વારા લૂંટ અને તોડતાડ કરવામાં આવતી હોવાની ચોકાવનારી બાબત સામે આવી છે. છેલ્લાં કેટલાંક દિવસોમાં આ વિસ્તારોમાં ખુલ્લે આમ લૂંટના બનાવો બન્યા હોવાનું સોશ્યલ મિડિયામાં ચર્ચાય રહ્યું છે. જોકે, આ ઘટનાઓ અંગે પોલીસ ફરિયાદ નોંધાય ન હોય બહુ વિગતો બહાર આવી નથી. પરંતું આવી ઘટનાઓ સામાન્ય નાગરિકોમાં ભય પેદા કર્યો છે. જયારે પોલીસની કાર્યવાહી અને જવાબદારીને લઇને પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે. આવી ઘટનાઓ જુદાં-જુદાં વિસ્તારોમાં બનતી હોય પરંતુ પોલીસ ફરિયાદ થતી ન હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. ત્યારબાદ આ સમાચાર પ્રસિધ્ધ કરાયા બાદ પોલીસે આવી ઘટનાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આવી લૂંટના બનાવની વિગત મુજબ ધ્રોલ ગામમાં રહેતો નવઘણ ભુપત સોલંકી (ઉ.વ.27) નામનો વેપારી યુવાન ગત તા.24ના સાંજના પાંચ વાગ્યાના અરસામાં સુમેર કલબના ગેઈટ પાસેથી બાઈક પર પસાર થતો હતો તે દરમિયાન પાછળથી ત્રણ અજાણ્યા શખ્સોએ બાઇક પર આવી નવઘણની બાઈક સાથે બાઈક અથડાવ્યું હતું અને પાછળ બેસેલી વ્યકિતએ અપશબ્દો બોલી ગાડીમાં પાંચ હજાર રૂપિયાનું નુકસાન થયું છે તું પાંચ હજાર આપી દે તેમ ધમકાવ્યો હતો. ત્યારબાદ બીજા શખ્સે કાઠલો પકડી ત્રણેયે ઘેરી લઈ નવઘણના ખીસ્સામાં રહેલી રૂપિયા બે હજારની રોકડની લૂંટ ચલાવી હતી અને પતાવી દેવાની ધમકી પણ આપી હતી. 12 દિવસ પૂર્વેની લૂંટની ઘટનામાં આખરે પોલીસે 25 થી 30 વર્ષના ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ લૂંટનો ગુનો નોંધી પીએસઆઇ આઈ.આઈ.નોયડા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.