ગુજરાતની 26 સહિત 12 રાજયોની 94 લોકસભા બેઠકોની ત્રીજા તબકકામાં યોજાનારી ચુંટણીનું જાહેરનામુ આજે જારી થવા સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકોની પેટાચુંટણી માટે પણ જાહેરનામુ બહાર પડયુ છે. આજથી 7 મે એ યોજાનારી ત્રીજા તબકકાની ચુંટણી માટેની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે.ત્રીજા તબકકામાં કુલ 12 રાજયો અને કેન્દ્રશાસીત પ્રદેશોની 94 બેઠકો માટે ચુંટણી યોજાવાની છે તેમાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે. આ સિવાય આસામની 14, ઉતરપ્રદેશની 10, બિહારની પાંચ, છતીસગઢની સાત, કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 11 તથા મધ્યપ્રદેશની આઠ બેઠકોનો સમાવેશ થાય છે. ત્રીજા તબકકાની ચુંટણીનુ જાહેરનામુ જારી થવા સાથે જ ફોર્મ ભરવાનું શરૂ થયું છે. ફોર્મ ભરવા, ચકાસણી, પાછા ખેંચવા સહિતની પ્રક્રિયા 22મી એપ્રિલ સુધી ચાલશે. ચુંટણી જાહેરનામા અંતર્ગત આજથી ઉમેદવારીપત્રક ભરવાનું શરૂ થયુ છે અને 19 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે. 20મી એપ્રિલે ઉમેદવારીપત્રકોની ચકાસણી થશે. 22મી સુધી ફોર્મ પાછા ખેંચી શકાશે અને 7મી મે ના રોજ મતદાન યોજાશે. 4થી જૂને મતગણતરી થશે. 6 જૂને સમગ્ર ચુંટણી પ્રક્રિયા પુર્ણ થશે.ગુજરાત સહિત દેશભરમાં લોકસભા ચૂંટણી જાહેર થવા સાથે ગત માસથી જ આચારસંહિતા અમલી બની જ ગઈ છે. હવે ચુંટણી પ્રક્રિયા શરૂ થતા રાજકીય પક્ષો- નેતાઓનો પ્રચાર વધવાનું સ્પષ્ટ છે. રાજકીય પક્ષો તથા ચૂંટણી લડવા માંગતા અન્ય ઉમેદવારો હવે ફોર્મ ભરવાની પ્રક્રિયામાં વ્યસ્ત બનવાનું સ્પષ્ટ છે. 22મીએ ચુંટણી ચિત્ર સ્પષ્ટ થયા બાદ પ્રચાર પરાકાષ્ટાએ પહોંચવા લાગશે. ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટકકર છે. ભાજપ દ્વારા તમામ 26 બેઠકોના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસે હજુ 24માંથી 4 ઉમેદવાર જાહેર કર્યા નથી. રાજકોટ, અમદાવાદ પુર્વ સહિત ચાર બેઠકોના ઉમેદવારનો પેચ હજુ ફસાયેલો છે. ગઠબંધનના ભાગરૂપે કોંગ્રેસે ભાવનગર તથા ભરૂચ બેઠકો આમ આદમી પાર્ટીને ફાળવી હોવાનું ઉલ્લેખનીય છે. ‘આપ’ દ્વારા અગાઉથી જ બન્ને બેઠકોના ઉમેદવાર નકકી કરી દેવાયા હતા. સૂત્રોના કહેવા પ્રમાણે 22મીએ ચુંટણી ચિત્ર સ્પષ્ટ થવા સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને ટોચના રાજકીય નેતાઓના ચુંટણી પ્રચાર પ્રવાસ શરૂ થઈ જવાના નિર્દેશ છે. વડાપ્રધાન ગુજરાતના ચારેય ઝોનમાં એક-એક જાહેરસભા યોજે તેવા નિર્દેશ છે. રાજકોટમાં ઉમેદવાર પરસોતમ રૂપાલાનો વિવાદ સમવા રાજયમાં પ્રસર્યો હોવાથી તેઓની પ્રચાર શરૂઆત રાજકોટથી થઈ શકે છે. ગુજરાતની લોકસભાની 26 બેઠકોની સાથોસાથ ખાલી પડેલી પાંચ વિધાનસભા બેઠકો માટે પણ 7મી મે ના રોજ પેટાચૂંટણી યોજાવાની છે અને તેનુ નોટીફીકેશન પણ આજે જારી કરવામાં આવ્યુ હતું.