દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ એન.એચ.-151એ અને એન.એચ.-51 ની “રાઈટ ઓફ વે” આવેલા તમામ અનધિકૃત દબાણો, ગેરકાયદેસર બાંધકામો, મંજૂરી વિના બનાવવામાં આવેલા પ્રવેશ માર્ગો, અનધિકૃત મીડિયન ગેપ તથા અન્ય તમામ પ્રકારના અવરોધોને દૂર કરવા માટેની કામગીરીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.
નેશનલ હાઈ-વે ઓથોરિટી દ્વારા હાઈ-વે પર દબાણકર્તાઓને નોટિસો બાદ આજે બરડીયા નજીકથી દબાણ હટાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ દબાણો અને હાઈવેના ગેપ બંધ કરવાની શરૂઆત કરાઈ હતી. ટ્રાફિકને નડતા દબાણો અંગે 152 જેટલા આસામીઓને નોટિસો આપી કામગીરી શરૂ કરાઇ છે. સાઇટ એન્જિનિયરની આગેવાનીમાં જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્રના સહયોગથી આજે સવારથી વિશેષ અમલીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં નાના મોટા અડચણ રૂપ દબાણો દ્વારકાથી પવિત્ર ધામ હરસિદ્ધિ માતાના મંદિર સુધી કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. દ્વારકા જિલ્લામાં નેશનલ હાઈવે ઓથોરિટીની પ્રથમ વખત આ પ્રકારની કડક કાર્યવાહીથી દબાણ કરતાં આસામીઓમાં ફફડાટ સાથે દોડધામ પ્રસરી જવા પામી છે.


