ખાદ્યતેલના ભાવમાં ફરી એક વખત વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. આજે સિંગતેલ અને કપાસિયા તેલના એક ડબ્બાના ભાવમાં રૂ.15નો વધારો થયો છે. મગફળીમાં ડીમાન્ડ રહેતા સિંગતેલમાં ભાવવધારો થયો છે. ત્યારે યાર્ડમાં એકંદરે કપાસના ભાવ પણ રૂ.1400થી રૂ.1800 રહ્યા છે.
સિંગતેલના ડબ્બામાં રૂ.15નો વધારો થતા એક ડબ્બાનો ભાવ વધીને રૂ.2275 થયો છે. જયારે કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં પણ 15 રૂપિયાનો વધારો થતા ડબ્બાનો ભાવ વધીને રૂ.2075 થયો છે. સૌરાષ્ટ્રમાં મગફળીનો રેકોર્ડબ્રેક પાક હોવા છતાં ખાદ્યતેલના ભાવોમાં વધારો થયો છે. તો કેન્દ્ર સરકારે પણ ખાદ્યતેલના ભાવ વ્યાજબી થાય તે માટે વાયદાના વેપાર પર પ્રતિબંધ મુક્યો છે.
વધતી જતી મોંઘવારીને અંકુશમાં લેવા માટે નાણા મંત્રાલયે સાત કોમોડિટીના ફ્યુચર ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો છે. સેબીએ તમામ ઓર્ડર પર 1 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. સરકારને આશા છે કે તેનાથી મોંઘવારી નિયંત્રણમાં આવશે. આ સાત કોમોડિટીમાં ચોખા, ઘઉં, સરસવ, ચણા, મગ, કાચું પામ, સોયાબીન તેલ જેવી કોમોડિટીઝનો સમાવેશ થાય છે. આ પ્રતિબંધ 1 વર્ષ માટે લગાવવામાં આવ્યો છે.