દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રવિવારથી મેઘરાજાના મંડાણ થયા છે. અત્યારે આજે સવારે 10 વાગ્યા સુધીમાં ખંભાળિયા અને દ્વારકા તાલુકામાં આઠ ઇંચ સુધીનો ધોધમાર વરસાદ વરસી ગયો છે. આ પૂર્વે શનિવારે પણ દ્વારકા અને ખંભાળિયામાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. આ લખાય છે ત્યારે સવારે 10:30 વાગ્યે ખંભાળિયા તાલુકામાં હળવા ઝાપટા વરસી રહ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં રવિવારના રજાના દિવસ પૂર્વે શનિવારે 8 મી.મી. વરસાદ વરસી ગયો હતો. ત્યારે ગઈકાલે રવિવારે સાંજે આશરે 5:30 વાગ્યાથી 6:30 વાગ્યા સુધીમાં એક ઈંચ અને ત્યાર બાદ પણ રાત્રે ધોધમાર વરસાદ વરસી જતા એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. આમ, રવિવારે કુલ 59 મી.મી. વરસાદ વરસતા રજાના દિવસે નગરજનોએ રજાના દિવસમાં નાહવાની મોજ માણી હતી.
આજરોજ વહેલી સવારથી મેઘરાજાએ જાણે અષાઢી રંગ ધારણ કર્યો હોય તેમ સવારે સાડા પાંચેક વાગ્યાથી અનરાધાર વરસાદ શરૂ થયો હતો અને માત્ર બે કલાકના સમયગાળામાં સાડા ચાર ઈંચ (116 મી.મી.) બાદ 8 થી 10 દરમિયાન 15 મી.મી. મળી આજે સવારે કુલ 131 મી.મી. (સવા પાંચ ઈંચ) વરસાદ વરસી ગયો છે. આમ છેલ્લા બે દિવસના સમયગાળા દરમિયાન ખંભાળિયા તાલુકામાં કુલ 198 મી.મી. વરસાદ નોંધાયો છે.
ધોધમાર વરસાદના પગલે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ગોઠણ સમા પાણી વહ્યા હતા અને થોડો સમય લોકોએ હાડમારીનો અનુભવ કર્યો હતો. જો કે વરસાદનું જોર ઘટતા આ તમામ સ્થળોએથી પાણી ઉતરી ગયા હતા.
સવારથી વસેલા ધોધમાર વરસાદના પગલે બજારો શુષ્ક બની રહી હતી અને જનજીવન પ્રભાવિત બન્યું હતું. અવીરત રીતે વરસેલા મુશળધાર વરસાદના પગલે ખંભાળિયાની ઘી તથા તેલી નદીમાં ઘોડાપૂર ઉમટતા જોવા મળ્યા હતા.
ગઈકાલે રાત્રે વરસાદના પગલે અહીંના સ્ટેશન રોડ વિસ્તારમાં એક વિશાળ વૃક્ષ ધરાશાયી બન્યું હતું. જેને નગરપાલિકાના ચીફ ઓફિસર ભરતકુમાર વ્યાસ તથા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારના વડપણ હેઠળ તાકીદે દૂર કરાવી અને માર્ગ વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અહીંની પ્રાંત કચેરીમાં ડ્રેનેજ સિસ્ટમમાં ભરાવો થતા અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેને અનુલક્ષીને જિલ્લા કલેકટર જી.ટી. પંડયાની સુચના મુજબ નગરપાલિકાના ચીફ ઓફિસર વ્યાસ તેમજ સેનીટેશન વિભાગના કર્મચારીઓએ તાકીદે દોડી જઈ અને જરૂરી સાધનોની મદદથી નોંધપાત્ર જહેમત બાદ આ તમામ ફરીથી પાણીનો નિકાલ પૂર્વવત કરાયો હતો.
ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નાના ચેકડેમ તેમજ જળ સ્ત્રોતોમાં નવા નીરની નોંધપાત્ર આવકથી આવા જળાશયો છલકાઈ ગયા છે. ખેતરોમાં ઉભા મોલ માટે કાચા સોના જેવા આ વરસાદથી ધરતીપુત્રો પણ ખુશખુશાલ બન્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ તાલુકામાં પણ પ્રથમ વખત આ નોંધપાત્ર ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં ગઈકાલે દ્વારકાના ગુરુદ્વારા વિસ્તાર, તોતાદ્રી મઠ, બિરલા પ્લોટનો કેટલોક વિસ્તાર, જલારામ સોસાયટી, વિસ્તારોમાં ભારે વરસાદના પગલે પાણી ભરાઈ જતા સ્થાનિકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દ્વારકા તાલુકામાં સરકારી ચોપડે નોંધાયેલા આંકડા મુજબ શનિવારે 16 મી.મી., રવિવારે 150 મી.મી. તેમજ આજે સવારે 35 મી.મી. મળી, કુલ 201 મી.મી. (8 ઈંચ) વરસાદ વરસી જવા પામ્યો છે.
કલ્યાણપુર તાલુકામાં પણ છેલ્લા બે દિવસ દરમિયાન નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. ગઈકાલે રવિવારે દિવસ દરમિયાન 55 મી.મી. તેમાં આજે સોમવારે ધોધમાર સવા પાંચ ઈંચ (57 મી.મી.) વરસાદ સાથે બે દિવસનો કુલ વરસાદ 159 મી.મી. થયો છે. જ્યારે ભાણવડમાં શનિવારે 4 મી.મી., રવિવારે 15 મી.મી. અને આજે સોમવારે 20 મી.મી. મળી, કુલ દોઢ ઈંચ (39 મી.મી.) વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે સોમવારે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં ખંભાળિયા તાલુકામાં 131 મી.મી., કલ્યાણપુરમાં 57 મી.મી., દ્વારકામાં 35 મી.મી. અને ભાણવડમાં 20 મી.મી. વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ ખંભાળિયામાં 24 ઈંચ (588 મી.મી.), દ્વારકામાં 10 ઈંચ (247 મી.મી.), કલ્યાણપુરમાં સવા 7 ઈંચ (119 મી.મી.) અને ભાણવડમાં 6 ઈંચ (147 મી.મી.) વરસી જવા પામ્યો છે.
આજે સવારથી સમગ્ર જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં હળવા તથા ભારે ઝાપટા રૂપે અવિરત વરસાદ વરસ્યો હતો. જો કે કોઈ મોટી ખાના-ખરાબીના અહેવાલો નથી. પરંતુ વાતાવરણમાં અનેરી ઠંડક સાથે નગરજનો તથા ધરતીપુત્રો ખુશખુશાલ બન્યા છે.