જામનગરમાં સમર્પણ સર્કલ પાસે રહેતાં યુવાનની કંપની દ્વારા રિલાયન્સ કંપનીમાં મોલના કામ માટે મોકલવામાં આવેલા ટીએમટી સળિયામાંથી રૂા. 2.20 લાખની કિંમતના સળિયા ટ્રેલરના ચાલકે રસ્તામાં ઉતારી વેચી નાખી છેતરપિંડી આચર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ મૂળ સુરતના અને હાલ જામનગરમાં સમર્પણ સર્કલ પાસે આવેલા સમર્પણ પાર્કમાં વસવાટ કરતાં નિકેત દીપક પટેલ નામના યુવાનની નિયતી એન્જીનિયરીંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને રિલાયન્સ કંપની દ્વારા નિર્માણ પામી રહેલા મોલના કામ માટે ટીએમટી સળિયા મટિરિયલ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. દરમ્યાન કોન્ટ્રાક્ટર કંપનીએ ગાંધીધામ (કચ્છ) ખાતેની ઇલેકટોથર્મ (ઇન્ડિયા) લિમિટેડ કંપનીના સામખિયાળી ખાતેના પ્લાન્ટમાંથી 25 એમએમ ટીએમટી સળિયા 24,760 કિ.ગ્રા. અંજનિ રોડલાઇન્સ નામના ટ્રાન્સપોર્ટ મારફતે જીજે12 બીટી 2565 નંબરના ટે્રલરમાં રિલાયન્સ કંપનીની મોલ સાઇટ પર મોકલવા ગત્ તા. 04ના રોજ રવાના કરવામાં આવ્યા હતા. દરમ્યાન આ ટ્રેલરના ચાલકે જુંજારામ લક્ષ્મણરામ નામના શખ્સ દ્વારા 24 ટન ટીએમટી સળિયા પૈકી રૂપિયા 2,20,000ની કિંમતના 3455 કિ.ગ્રા. 25 એમએમ ટીએમટી સળિયા રસ્તામાં કોઇ જગ્યાએ ઉતારી અને વેચી નાખ્યા હતા.
ત્યારબાદ આ ટીએમટી સળિયા નિયત રિલાયન્સ મોલની સાઇટ ઉપર પહોંચ્યા ત્યારે ચોરી, છેતરપિંડી થયાની જાણ થઇ હતી. ત્યારબાદ નિકેત દ્વારા ટ્રેલરના ચાલક વિરૂદ્ધ મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પીઆઇ પી.પી.જયસ્વાલ તથા સ્ટાફે વિશ્ર્વાસઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


