દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારોમાં ખરીદીની રોનક જોવા મળી રહી છે. આ વચ્ચે દિવ્યાંગ બાળકોના જીવનમાં ખુશીઓનો પ્રકાશ પાથરવાના ઉમદા હેતુ સાથે ‘ૐ ટ્રેનિંગ સેન્ટર’ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. ડીમ્પલ મહેતા સંચાલિત આ સંસ્થા દ્વારા મનોદિવ્યાંગ બાળકો પાસે ચાર મહિનાની સતત મહેનત અને તાલીમ બાદ અંદાજે 7,000 જેટલા આકર્ષક દીવાઓ તૈયાર કરવામાં આવ્યા છે.
છેલ્લા 15 વર્ષથી દિવ્યાંગ બાળકોના ઉત્થાન અને તેમને સ્વાવલંબી બનાવવાના હેતુથી કાર્યરત આ સંસ્થા દ્વારા બાળકોની આવડત અને સર્જનાત્મકતાને બહાર લાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ બાળકોને દીવા બનાવવાની વિશેષ તાલીમ આપવામાં આવી હતી. જેમાં બાળકોએ પોતાની આવડત અને મહેનતથી વિવિધ ડિઝાઇનના સુંદર દીવાઓ તૈયાર કર્યા છે.
View this post on Instagram
આ દીવાઓમાં સાથિયાવાળા, કુંડીવાળા, મીણ પૂરેલા, મીણ વગરના તેમજ મટુકી આકારના આકર્ષક દીવાઓનો સમાવેશ થાય છે. બાળકોએ તૈયાર કરેલા દીવાઓને સુંદર રંગો અને કલાત્મક સજાવટથી વધુ આકર્ષક બનાવવામાં આવ્યા છે. ચાર મહિનાની મહેનત બાદ તૈયાર થયેલા આ અંદાજે 7,000 દીવાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
સંસ્થા દ્વારા શહેરના નાગરિકો અને દિવાળીની ખરીદી કરતા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે આ વર્ષે દિવાળીની ખરીદીમાં દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલા દીવાઓને પ્રાથમિકતા આપે. આવા દીવાઓની ખરીદી માત્ર એક વસ્તુની ખરીદી નથી, પરંતુ બાળકોની મહેનતને બિરદાવવા અને તેમને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવાનો એક પ્રયાસ છે.
દિવાળીના પર્વે દરેક વ્યક્તિ પોતાના ઘરમાં દીવા પ્રગટાવીને પ્રકાશ પાથરે છે, ત્યારે આ વખતે દિવ્યાંગ બાળકોના હાથે તૈયાર થયેલો એક દીવો ખરીદીને તેમના જીવનમાં પણ ખુશીઓ અને આશાનો પ્રકાશ પાથરવાનો અવસર છે. લોકોનો સહયોગ બાળકોને તેમની કળા અને મહેનતનું યોગ્ય પ્રોત્સાહન પૂરું પાડવાની સાથે તેમને સ્વાવલંબી બનવાની દિશામાં પણ મદદરૂપ બની શકે છે.
આ દિવાળીએ માત્ર ઘર જ નહીં, દિવ્યાંગ બાળકોના સપનાઓને પણ પ્રકાશિત કરવા ‘ૐ ટ્રેનિંગ સેન્ટર’ દ્વારા સૌ નાગરિકોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવવાની સાથે બાળકોના હસ્તે તૈયાર થયેલા દીવાઓની ખરીદી કરી સહયોગ આપવા હૃદયપૂર્વક અપીલ કરવામાં આવી છે


