એક સમયે દેશની રાષ્ટ્રીયકૃત બેન્કોમાં કર્મચારીઓની ફોજ નજરે ચડતી હતી પણ બેન્કીંગમાં ઓટોમેશન તથા બેન્કીંગ સેવાઓ પણ ડીજીટલ બનતા હવે બેન્કોમાં ‘કલાર્ક’ની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. વાસ્તવમાં 2010માં જ કોર બેન્કીંગ પરના એક અભ્યાસ બાદ એ.કે.ખંડેલવાલ કમીટીએ આપેલા રિપોર્ટમાં બેન્કોમાં કલાર્કની આવશ્યકતા સામે પણ પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા.
તે સમયે બેન્કોમાં કુલ કર્મચારીઓમાં 50% સંખ્યા કલાર્કની હતી જે હવે 2021માં 22% પહોંચી છે. બેન્કીંગ સેવા હવે સીધી કરતા આડકતરી રોજગારી વધું આપી રહી છે. મોટાભાગની બેન્કોમાં કલાર્કની કામગીરી દૈનિક બેન્કીંગ સેવા સાથે જોડાયેલ છે જેમાં બેન્ક ખાતા ખોલવા, રોજબરોજની ગ્રાહક સેવાને સંભાળવી વિ. છે અને હવે કોમ્પ્યુટર મારફત જ આ તમામ કામગીરી બેન્ક કલાર્ક કરે છે પણ બેન્કોની સેવા ડીજીટલ બનતા હવે બેન્કમાં રોજીંદી કામગીરી માટે આવતા ગ્રાહકોની સંખ્યા પણ ઘટવા લાગી છે અને કોઈ ખાસ કારણો વગર બેન્કોમાં હવે ગ્રાહકોની ‘કતાર’ જોવા મળતી નથી.
જો કે ઓલ ઈન્ડીયા બેન્ક એમ્પ્લોયીઝ એસો.ના મહાસચીવ શ્રી સી.એચ.વેંકટચલમના જણાવ્યા મુજબ બેન્કોમાં કલાર્ક પર જે પગાર વિ. જે ખર્ચ થાય છે તે મહત્વનું છે. કલાર્કનું લઘુતમ વેતન રૂા.30000 અને મહતમ વેતન રૂા.70000 સુધી થાય છે અને હવે જો કલાર્કની કામગીરી ઓફિસરને આપવાની તો તેના પરનો વેતન ખર્ચ ડબલ થાય છે. વાસ્તવમાં રાષ્ટ્રીયકૃતની સાથે ખાનગી બેન્કોની સેવા પણ વધતા રાષ્ટ્રીય કૃત બેન્કોની કામગીરી ઘટી છે.