રાજ્ય સરકારના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વિતીય દિવસે પણ ઉત્સાહભેર કાર્યક્રમોના આયોજનો હાથ ધરાયા હતા. જે અંતર્ગત બજાણા પ્રાથ. શાળામાં વન અને પર્યાવરણ વિભાગના ઉપસચિવ જે.ડી. સુથાર અને જોધપુર પ્રાથ. શાળામાં જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યુ હતુ કે, આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માતાઓ ઉપસ્થિત છે જે દર્શાવે છે કે તેમને તેમના બાળકના અભ્યાસની ચિંતા છે. અને બાળકોના શિક્ષણ પ્રત્યે તેઓ જાગૃત છે. એક સારા વાતાવરણમાં અભ્યાસની શરૂઆત થાય તો બાળકોનું ભવિષ્ય પણ સારી દિશામાં બને છે. આપણે સૌ જાણીએ છીએ કે કોરોના મહામારીને કારણે બાળકોના શિક્ષણને ઘણી અસર પડી છે. તો શિક્ષકો પણ તેમની નૈતિક ફરજ સમજી બાળકોને વધુમાં વધુ અભ્યાસ કરાવી અને જે વિષય નબળા જણાઈ તેમાં વધુ ધ્યાન અપાવી બાળકોના ભવિષ્યનું ઘડતર કરવું જોઈએ.
વધુમાં જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે, માત્ર શાળામાં અભ્યાસ પૂર્ણ કર્યેથી બાળકોનું ભવિષ્ય નહિ બની શકે. પરંતુ બાળક શાળાએથી ઘરે જાય ત્યારે માતા – પિતાએ પણ બાળકને પૂછવું જોઈએ કે આજે શાળામાં શું અભ્યાસ કર્યો? શું લેશન આપ્યું? જો આમ કરવામાં આવશે તો ચોક્કસપણે બાળક ભવિષ્યમાં દેશનું નામ રોશન કરશે.
વન અને પર્યાવરણ વિભાગના ઉપસચિવ જે.ડી. સુથારે પણ પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું. આ તકે બજાણા આંગણવાડી અને પ્રાથ. શાળાના મળીને 54 બાળકોને તેમજ જોધપુર આંગણવાડી અને પ્રાથ. શાળાના મળીને 15 બાળકોને કીટ આપી, પ્રવેશ આપવામાં આવ્યો હતો. ધોરણ 3 થી 8ના બાળકો કે જેઓ વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમે ઉત્તીર્ણ થયા છે તેવા બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે આઝાદી કા અમૃત મહોત્સવ, પર્યાવરણ બચાઓ જેવા વિષયો પર બાળકોનું વક્તવ્ય પણ યોજવામાં આવ્યું હતું.