જામનગર શહેરમાં ભારે વરસાદને લઇને જામનગર શહેરના વોર્ડ નં.11 અને 12 માં પાણી ઘરોમાં ભરાઈ જવાને કારણે કેટલાય ઘરોમાં ઘરવખરી સંપૂર્ણપણે નાશ થઈ જવા પામી છે. તો હજુ પણ કેટલાય ઘરો એવા છે જેમાં અનાજ પણ પલળી જતાં શું ખાવું તે પ્રશ્ન છે. ત્યારે મત માંગવા નીકળતા નેતાઓ લોકોને ખરી જરૂર હતી તે સમયે ના ઉભા રહ્યા હોવાનો આક્ષેપ આ વિસ્તારના સ્થાનિક અને ભાજપાના લઘુમતિ શહેરના પ્રભારી ઇકબાલ ખફીએ કર્યો છે.
ઈબાલ ખફીએ કરેલ આક્ષેપોમાં જણાવ્યું છે કે, આ વિસ્તારમાં ગત સોમવારે ભારે વરસાદને કારણે રાજપાર્ક, સેટેલાઇટ સોસાયટી, સનસીટી 1, અલ્સ્ફા ગોલ્ડન સોસાયટી, બાલનાથ સોસાયટી, સતવારા સમાજની વાડી સહિતના વિસ્તારોમાં તો બીજી તરફ સિધ્ધનાથ સોસાયટી, રંગમતિ, મહારાજા સોસાયટી ગનીપીરની દરગાહ મહાપ્રભુજીની બેઠક સહિતના વિસ્તારોમાં વરસાદ રોકાઈ ચૂકયા બાદ ગંદકીનું ભારે સામ્રાજ્ય હોવા છતાં કોઇ નેતાઓ અહીં ફરકયા નથી. જે બાબત ખુખ દુ:ખદ છે.
આ તમામ વચ્ચે આ વિસ્તારમાં જો યોગ્ય રીતે સફાઈ કરવામાં નહીં આવે તો રોગચાળો ફાટી નિકળવાની દહેશત હોય તાકીદે આ વિસ્તારમાં સાફસફાઈ કરી દવાનો છટકાવ કરી અને જે વિસ્તારોમાં ચૂકવવાની થતી નુકસાની અંગે ચૂકવવા પણ ઈકબાલ ખફી (ભુરાભાઈ) દ્વારા રજૂઆત કરાઇ છે.


