Thursday, July 30, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં વરસાદ ખેંચાયો છતાં પાણીની કોઈ ચિંતા નહીં : મનપા ની...

જામનગર શહેરમાં વરસાદ ખેંચાયો છતાં પાણીની કોઈ ચિંતા નહીં : મનપા ની હૈયાધારણા

‘સૌની’ યોજના અને નર્મદા કેનાલથી વધારાનું પાણી મેળવવાની વ્યવસ્થા; શહેરમાં નિયમિત એકાંતરા પાણી વિતરણ યથાવત રહેશે : મનપા

જામનગર શહેરમાં વરસાદનો વિરામ લાંબો બન્યો હોવા છતાં શહેરના પાણી પુરવઠાને લઈને જામનગર મહાનગરપાલિકાએ સંપૂર્ણ આયોજન કરી લીધું હોવાનું જણાવ્યું છે. સૌની યોજના તથા નર્મદા કેનાલમાંથી જરૂરી જથ્થામાં પાણી મેળવી શહેરમાં નિયમિત એકાંતરા પાણી વિતરણ યથાવત્ રાખવામાં આવશે, અને હાલની સ્થિતિમાં નગરજનોએ પાણી અંગે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી, તેમ મહાનગરપાલિકાના વોટર વર્ક્સ શાખાના ઈજનેર નરેશ પટેલે જણાવ્યું છે.

- Advertisement -

તેમણે જણાવ્યું હતું કે હાલમાં સૌની યોજના મારફતે આજી ડેમમાં અંદાજે 200 એમસીએફટી પાણી ઠાલવવાની કામગીરી ચાલી રહી છે. તાજેતરમાં પડેલા વરસાદને કારણે આજી-3 ડેમમાં કુદરતી આવક પણ નોંધાતા તેની જળસપાટીમાં વધારો થયો છે. આજી ડેમમાંથી હવે ઉંડ-1 ડેમમાં પણ અંદાજે 200 એમસીએફટી પાણી છોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ ઉંડ-1 ડેમમાંથી અંદાજે 150 એમસીએફટી પાણી સસોઈ ડેમમાં ઠાલવવાની કામગીરી હાથ ધરાશે.

હાલમાં રણજીત સાગર ડેમમાં સમગ્ર ઓગસ્ટ મહિનો ચાલે તેટલો પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ત્યાંથી દરરોજ અંદાજે 40 એમએલડી પાણી લેવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સસોઈ, ઉંડ અને આજી જળાશયોમાંથી પણ જરૂરી જથ્થામાં પાણી મેળવી કુલ અંદાજે 150 એમએલડી પાણીનું સંચાલન કરીને શહેરમાં એકાંતરા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. હાલ શહેરના કોઈપણ વિસ્તારમાં પાણી વિતરણમાં વિક્ષેપ સર્જાયો નથી.

- Advertisement -

વધુમાં નર્મદા કેનાલમાંથી પણ દરરોજ અંદાજે 27 એમએલડી પાણી ઉપાડી શહેરની પાણી પુરવઠા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા તથા ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી ઇજનેર ભાવેશ જાની તેમજ મનપાની અધિકારીઓની ટીમ સમગ્ર પાણી પુરવઠા વ્યવસ્થાનું સતત મોનિટરિંગ કરી રહી છે. વરસાદની અનિશ્ચિત સ્થિતિ વચ્ચે પણ શહેરના નાગરિકોને નિયમિત પાણી મળી રહે તે માટે તમામ જરૂરી આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવતાં નગરજનોએ પાણી અંગે કોઈપણ પ્રકારની ચિંતા ન કરવા મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular