જામનગર મહાનગરપાલિકામાં ચાલતા વિવિધ કામોની ટેન્ડર પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થતો હોય આ અંગે કાર્યવાહી કરવા અને જામનગરમાં સ્થાનિક એજન્સી કે કોન્ટ્રાકટરને ટેન્ડર મળે તે માટે વોર્ડ નં. 4ના કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, જામનગર મહાનગરપાલિકામાં રોડ-રસ્તા, લાઇટ, પાણી તેમજ ભૂગર્ભ ગટર કે અન્ય ટેન્ડરો ભરવામાં આવે છે. તેમાં સ્થાનિક એજન્સી કે સ્થાનિક કોન્ટ્રાકટરોને ટેન્ડર મળતું નથી અને બહારના જિલ્લા એજન્સીઓને કોન્ટ્રાકટરને ટેન્ડર મળે છે. જેના કારણે ખૂબ મુશ્કેલી થાય છે. જામનગર સિવાયના બહારના વ્યક્તિને ટેન્ડર મળવાથી કોન્ટ્રાકટર સ્થાનિક કામકાજમાં દેખરેખ રાખી શકતા નથી કે, ફોન પણ ઉપાડતા નથી અને પેટામાં કોન્ટ્રાકટ આપ્યો હોવાથી ભ્રષ્ટાચાર થાય છે. તેમજ કામો પૂર્ણ થયા બાદ બહારના કોન્ટ્રાકટર દ્વારા કોઇપણ જાતની સ્થાનિકોની કે, કોર્પોરેટરોની ફરિયાદ ધ્યાને લેવામાં આવતી નથી. બહારના કોન્ટ્રાકટર કામ પૂર્ણ થયા બાદ ચાલ્યા જાય છે. ગેરેન્ટી પિરીયડ પહેલા કોઇપણ ફરિયાદ હોય તો પણ તેનો નિકાલ આવતો નથી.
સ્થાનિક કોન્ટ્રાકટર હોય તો ગેરેન્ટી પિરીયડ પહેલા તેના પાસે ફરિયાદનો નિકાલ થઇ શકે અથવા તેના વિરુધ્ધ કાર્યવાહી થઇ શકે પરંતુ બહારના કોન્ટ્રાકટર વિરુધ્ધ કઇપણ કરી શકે તેમ નથી. આ ઉપરાંત બહારના વ્યક્તિએ ટેન્ડર ભર્યું હોય તે જામ્યુકોના અધિકારીના સગા-વ્હાલા હોય અથવા અધિકારીઓ ખોટા બિલોમાં સહિ કરીને પોતાની ભાગીદારી હોવાથી ભ્રષ્ટાચાર થાય છે અને નબળુ કામ થાય છે. ટેન્ડરમાં ઓછો ભાવ હોય છે. જેથી ભ્રષ્ટાચાર થાય છે અને પાછળથી કમિટીમાં વધારાનો ખર્ચ મંજૂર કરવો પડે છે. આથી જામનગર મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર અટકાવવા અને સ્થાનિક એજન્સી કે, કોન્ટ્રાકટરને ટેન્ડર મળે તેમજ જે વ્યક્તિને ટેન્ડર લાગે તેને પેટામાં ટેન્ડર આપવામાં આવે નહીં તેમ આ પત્ર દ્વારા માગણી કરાઇ છે.