જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર બુરહાનીપાર્કમાં એક શખ્સે બિસ્કીટના પૈસા માટે ઘરમાં ઘુસી મહિલાના પેટના ભાગે લાતો અને લાકડાંના ધોકા વડે હુમલો કરતાં મહિલાના ગર્ભમાં રહેલાં ત્રણ માસના બાળકનું મોત નિપજાવ્યું હતું અને અન્ય યુવાન ઉપર લાકડાંના ધોકા વડે હુમલો કર્યો હતો.
ફિટકારજનક બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર બુરહાની પાર્કમાં ઝમઝમ પાર્ક વિસ્તારમાં સીરીનબેનની કરિયાણાની દુકાને અફસાના રોશનકુમાર ધર્મેન્દ્ર યાદવ નામના યુવતી બેઠી હતી. ત્યારે ભુરા કસાઇનો પુત્ર દુકાનમાંથી પુછયા વગર બિસ્કીટ લઇ ગયો હતો. જેથી અફસાના અને તેની બહેન સિરિન તથા હુસેનભાઇ ત્રણેય વ્યકિતઓ ઝમઝમ પાર્કમાં રહેતાં ભુરો કસાઇના ઘરે જઇ બિસ્કીટના પૈસાની માંગણી કરી હતી. જે માંગણી ભુરાને ગમી ન હતી.
ત્યારબાદ બિસ્કીટના પેકેટના પૈસાની માંગણીનો ખાર રાખી બે મહિલા સહિતના ત્રણ વ્યકિતઓ સાથે ભુરા કસાઇએ અપશબ્દો બોલી બોલાચાલી કરી હતી અને ગર્ભવતી અફસાનાબેનને ઢીકા પાટુંનો માર મારી પેટના ભાગે લાતો તથા લાકડાંના ધોકા વડે માર મારી હુમલો કરતાં અફસાના બેનના ગર્ભમાં રહેલાં ત્રણ માસના બાળકનું મોત નિપજયું હતું. ઉપરાંત ભુરાએ હુસેનભાઇને લાકડાંના ધોકા વડે લમધાર્યા હતાં. આ બનાવની જાણ કરતાં પીએસઆઇ એન.વી.હરિયાણી તથા સ્ટાફે અફસાનાબેનના નિવેદનના આધારે ભુરો કસાઇ વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.