Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ગૌરવ દિવસની ઉજવણી પહેલા ઘાત ટળી

જામનગરમાં ગૌરવ દિવસની ઉજવણી પહેલા ઘાત ટળી

શહેરના પ્રદર્શન મેદાનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ માટે તૈયાર કરવામાં આવી રહેલું લોખંડના ગર્ડરવાળું વિશાળ સ્ટેજ ધડાકાભેર તૂટી પડયું : ઘટના સમયે અહીં પ્રેકટીસ કરી રહેલાં કલાકારો પૈકી પાંચને ઇજા : પ્રાંત અધિકારી કરશે સમગ્ર ઘટનાની તપાસ

- Advertisement -

જામનગર શહેરમાં ગુજરાત ગૌરવ દિવસની રાજયકક્ષાની ઉજવણી પહેલાં એક મોટી ઘાત ટળી છે. ઉજવણી દરમ્યાન રજૂ થનારા સાંસ્કૃતિક કાર્યક્રમ માટે શહેરના પ્રદર્શન મેદાનમાં તૈયાર કરવામાં આવી રહેલું લોખંડના ગર્ડરવાળું વિશાળ સ્ટેજ ગઇરાત્રે ધડાકા સાથે તૂટી પડયું હતું. આ ઘટના સમયે અહીં પ્રેકટીસ કરી રહેલાં પાંચ જેટલાં કલાકારોને ઇજા પહોંચતાં તેમને શહેરની જી.જી. હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. કાર્યક્રમ પહેલાં સર્જાયેલી આ દુર્ઘટના અંગે પ્રાંત અધિકારીને તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. લોખંડના ગર્ડર સાથેના વિશાળ સ્ટેજના નિર્માણ કાર્યને લઇને અનેક સવાલો ઉભા થયા છે. આ ઘટનામાં કોન્ટ્રાકટરની બેદરકારી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામા આવશે. જો આ ઘટના ગૌરવ દિવસની ઉજવણીના સાંસ્કૃતિક કાર્યક્રમ દરમ્યાન ઘટી હોત તો મોટી અને ગંભીર દુર્ઘટના સર્જાઇ શકી હોત.

- Advertisement -

જામનગર શહેરમાં 1લી મે એ ગુજરાત સ્થાપના દિવસ એટલે કે ગુજરાત ગૌરવ દિવસની રાજય કક્ષાની ઉજવણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. શહેરમાં જુદી-જુદી ત્રણ જગ્યાએ વિવિધ કાર્યક્રમો યોજાશે જેમાં રાજયપાલ, મુખ્યમંત્રી સહિત રાજયની કેબિનેટના મંત્રીઓ ઉપસ્થિત રહેનાર હોય ગઇકાલે ઘટેલી ઘટનાને અત્યંત ગંભીરતાથી જોવામાં આવી રહી છે.

ઉજવણી અંતર્ગત શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં સાંસ્કૃતિક કાર્યક્રમ માટે લોખંડના ગર્ડર સાથેનો વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું હતું. દરમ્યાન ગઇકાલે રાત્રે સાંસ્કૃતિક કાર્યકમમાં પરર્ફોમ કરનારા કલાકારો અહીં પ્રેકટીસ કરી રહયા હતા. તે દરમ્યાન જ લોખંડના ગર્ડર સાથેનું વિશાળ સ્ટેજ ધડાકાભેર તૂટી પડતાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી. સ્ટેજને હાઇટ આપવા માટે બનાવવામાં આવેલી લોખંડની મોટી ફ્રેમ તૂટી પડતાં અહીં પ્રેકટીસ કરતાં કલાકારો પડી હતી. પરિણામે પાંચ જેટલા કલાકારોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત તમામને તાબડતોબ સારવાર માટે ગુરૂગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેઓને સારવાર આપવામાં આવ્યા બાદ તમામ કલાકારો ભયમુકત હોવાનું મેડિકલ કોલેજના ડીન ડૉ. નંદિની દેસાઇએ જણાવ્યું હતું. દુર્ઘટનાની જાણ થતાં જ સમગ્ર કાર્યક્રમની તૈયારીઓનું મોનિટરીંગ કરી રહેલા ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જયારે પ્રાંત અધિકારી ડી.ડી. શાહ ઘાયલ કલાકારોની સારવાર અને વ્યવસ્થાની જાણકારી મેળવવા જી.જી. હોસ્પિટલ દોડી ગયા હતા. ગઇકાલે રાત્રે ઘટેલી આ ઘટના અંગે રાજય સરકારે પણ સ્થાનિક અધિકારીઓ પાસે રિપોર્ટ માંગ્યો હોવાનું જાણવા મળ્યું છે. ગઇકાલની ઘટનાને લઇને મહાનુભાવોની સુરક્ષા માટે તૈનાત એજન્સીઓ સતર્ક બની છે. તેમજ સુરક્ષાની તમામ વ્યવસ્થાનો રિવ્યૂ કરવામાં આવી રહ્યો છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનિય છે કે, સૌરાષ્ટ્ર રેન્જ આઇજી અશોક યાદવ પણ ગઇકાલે પરેડના રિહર્સલ તેમજ સુરક્ષા વ્યવસ્થાની જાણકારી મેળવવા માટે જામનગર આવ્યા હતા. ઉજવણી દરમ્યાન આવી કોઇ ઘટના ન સર્જાય તે માટે કાર્યક્રમના સ્થળોએ ગંભીરતાપૂર્વક ઉભી કરવામાં આવેલી વ્યવસ્થાઓની રિ-ચકાસણી કરવામાં આવી રહી છે.

દુર્ઘટના બાદ સ્ટેજની ડિઝાઇન બદલી નાખવામાં આવી

- Advertisement -

દરમ્યાન પ્રદર્શન મેદાનમાં સ્ટેજના ગર્ડર તૂટી પડવાની ઘટના બાદ સ્થાનિક તંત્ર દ્વારા પ્લાન-બી અમલમાં મૂકવામાં આવ્યો છે. અગાઉ નિર્માણ પામનારા લોખંડના ગર્ડરવાળા વિશાળ સ્ટેજને બદલે સાંસ્કૃતિક કાર્યક્રમ માટેના સ્ટેજની ડિઝાઇન બદલી નાખવામાં આવી છે. હવે ઉચી હાઇટને બદલે રાબેતા મુજબના પ્લેટફોર્મ સાથેના સ્ટેજનું નિર્માણ કરવામાં આવી રહયું છે. જેની હાઇટ બહુ વધારે નહીં હોય. સાથે-સાથે સુરક્ષાની પણ ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે કેમ કે, ઉજવણી દરમ્યાન સેંકડોની સંખ્યામાં કલાકારો આ સ્ટેજનો ઉપયોગ કરશે. જયારે કાર્યક્રમ નિહાળવા મહાનુભાવો સહિત હજારોની સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular