જામનગર તાલુકાના કોંઝા ગામમાં રહેતાં યુવકને ચેલા ગામની યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો અને પ્રેમસંબંધ યુવતીના પિતાના મંજૂર ન હોય જેથી લગ્ન કરવાની ના પાડી હોવા છતાં યુવક અને યુવતીએ પ્રેમસંબંધ રાખ્યો હતો. આ પ્રેમ સંબંધનો ખાર રાખી સોમવારે સાંજના સમયે હર્ષદપુર નજીક પ્રેમી યુવાન ઉપર 10 જેટલા શખ્સોએ હુમલો કરતા યુવાનના કાકા બચાવવા વચ્ચે પડતા તેના ઉપર ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના કોંઝા ગામમાં રહેતા દશરથસિંહ નવલસિંહ ભટ્ટી નામના યુવાનને ચેલા ગામમાં રહેતી પીનલ નામની યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો અને બન્ને લગ્ન કરવા માગતા હતાં પરંતુ આ પ્રેમલગ્ન યુવતીના પિતા પ્રકાશસિંહ ભૂપતસિંહ કેશુરને મંજૂર ન હોવાથી તેણે લગ્ન કરવાની ના પાડી હતી. તેમ છતાં યુવક અને યુવતી એ પ્રેમસંબંધ ચાલુ રાખ્યો હતો. દરમિયાન સોમવારે સાંજના સમયે દશરથસિંહ હર્ષદપુર પેટ્રોલપંપ પાસે હાજર હતો. ત્યારે યુવતીનો ભાઈ ધાર્મિક અને તેનો મિત્ર તથા કાકા મહેન્દ્રસિંહ ઉર્ફે ટીમો અને ધાર્મિકના દાદી એ યુવક પાસે આવીને બોલાચાલી કરી માર મારામારી કરતા ગભરાયેલા યુવકએ તેના કાકા શિવુભા ભટ્ટીને ફોન કરી હર્ષદપુર બોલાવ્યા હતાં. ત્યારે યુવતીના પિતા પ્રકાશસિંહ ભૂપતસિંહ કેશુર અને વિક્રમસિંહ કેશુર, મહેન્દ્રસિંહ ઉર્ફે ટીમો ભૂપતસિંહ કેશુર, સંજયસિંહ ભૂપતસિંહ કેશુર, ધાર્મિક પ્રકાશસિંહ કેશુર, મમલો ગોવિંદ કોળી, રવિ સોલંકી અને બે અજાણ્યા સહિતના 10 શખ્સો એકઠાં થઈ જતાં યુવક ભાગવા ગયો હતો.
દશરથસિંહ ખેતરોમાંથી ભાગીને હર્ષદપુર ગામ તરફ જતો હતો ત્યારે રવિ સોલંકીએ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ દશરથસિંહના કાકા શિવુભા ભટ્ટી આવી જતાં હર્ષદપુર ગામમાં જ 10 શખ્સોએ શિવુભા ભટ્ટી ઉપર હુમલો કર્યો હતો અને પ્રકાશસિંહ, મહેન્દ્રસિંહ, સંજયસિંહએ શિવુભા ભટ્ટીને પકડી રાખ્યા હતાં. જ્યારે વિક્રમ અને ધાર્મિકએ છરીના ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી હતી અને ધોકા વડે માર મારતા શિવુભા જીવણસંગ ભટ્ટી (ઉ.વ.50) ને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. બનાવની જાણ થતા પીએસઆઈ જે.ડી.પરમાર અને ગ્રામ્ય ડીવાયએસપી સહિતનો કાફલો હોસ્પિટલે દોડી આવ્યો હતો. જ્યાં પોલીસે મૃતકના ભત્રીજા દશરથસિંહના નિવેદનના આધારે 10 શખ્સો વિરૂધ્ધ રાયોટીંગ અને હત્યાનો તથા હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હત્યારાઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.