દેશના ચાર મહત્વના રાજયોની વિધાનસભાની ચૂંટણીમાં મોદીની ગેરન્ટીએ 4 પૈકી ત્રણ રાજયમાં ભાજપાને પ્રચંડ જીત અપાવી છે. મધ્યપ્રદેશમાં એન્ટી ઇન્કમ્બંસી વચ્ચે પણ ભાજપાએ રેકોર્ડબ્રેક 163 બેઠકો જીતીને ધુંઆધાર બહુમતિ હાંસલ કરી છે. તો બીજી તરફ રાજસ્થાન અને છતીસગઢ કોંગ્રેસ પાસેથી ફરી છીનવી લીધા છે. બન્ને રાજયોમાં કોંગ્રેસની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.
તો જયારે દક્ષિણના તેલંગાણામાં પણ ભાજપે પોતાની સ્થિતિમાં સુધારો કર્યો છે. અલબત ભાજપ અહીં સતા સુધી પહોંચી શકયું નથી. તેલંગાણામાં કોંગેસનો વિજય વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ માટે આશ્ર્વાસન રૂપ રહ્યો છે. દેશના પ રાજયોની વિધાનસભા ચૂઁટણીને લોકસભાના સેમીફાઇનલ તરીકે જોવામાં આવી રહી હતી. ગઇકાલે જાહેર થયેલા ચાર રાજયોના પરિણામોમાં ભાજપે 3 રાજયો પર કબજો જમાવીને સતાનો સેમીફાઇનલ જીતી લીધો છે. મધ્યપ્રદેશની 230 પૈકી ભાજપાએ 163 બેઠકો જીતી છે.
જયારે કોંગ્રેસને માત્ર 66 બેઠકોથી સંતોષ માનવો પડયો છે. બીજી તરફ રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સતા પરિવર્તનની પરંપરા યથાવત રહી છે. સતામાં રહેલી ગેહલોત સરકારને લોકોએ જાકારો આપી ફરીથી ભાજપા પર વિશ્ર્વાસ વ્યકત કર્યો છે. અહીં ભાજપાને 115, જયારે કોંગ્રેસને 69 બેઠક પ્રાપ્ત થઇ છે. છતીસગઢમાં 2018માં જંગી બહુમતી સાથે સતારૂઢ થયેલી કોંગ્રેસની સરકારને ભાજપાએ ઉખાડી ફેંકી છે. છતીસગઢની 90 પૈકી 54 બેઠક જીતીને સ્પષ્ટ બહુમતિ સાથે ફરીએકવાર ભાજપ સતા સ્થાને આવ્યું છે. કોંગ્રેસને અહીં 35 બેઠકો મળી છે. કોંગ્રેસ માટે એકમાત્ર તેલંગાણા આશ્ર્વાસનરૂપ સાબિત થયું છે. કોંગ્રેસે તેલાંગાણાની 119 પૈકી 64 બેઠક જીતીને બહુમતિ પ્રાપ્ત કરી લીધી છે. જયારે કેસીઆર સરકારનું પતન થયું છે. ભાજપાએ અહીં પોતાના દેખાવમાં જબરદસ્ત સુધાર કર્યો છે. 2018માં માત્ર 1 બેઠક મેળવનાર ભાજપાને અહીં 8 બેઠકો પ્રાપ્ત થઇ છે. જયારે વોટશેર પણ બમણો થઇ ગયો છે. જે સાત ટકાથી વધીને 14 ટકાએ પહોંચી ગયો છે. સતાના સેમીફાઇનલ સમી 3 રાજયોની ચૂંટણીમાં ભાજપાની પ્રચંડ જીતથી હવે લોકસભામાં પણ ભાજપાની હેટ્રિકના દરવાજા ખુલી ગયા છે.