દેશમાં આજે કોરોનાના નવા કેસ 40 હજારથી ઓછા નોંધાયા, પરંતુ કેટલાક જિલ્લાઓમાં 10 ટકાથી વધુ પોઝિટિવિટી રેટે ચિંતા વધારી છે. દેશમાં 10 ટકાથી વધુ પોઝિટિવિટી રેટ ધરાવતાં 47 જિલ્લા છે. આ વીકલી પોઝિટિવિટી રેટ છે. આમાં અરૂણાચલ પ્રદેશ, મિઝોરમ અને સિક્કીમના ચાર જિલ્લા છે. આસામ-ત્રિપુરાના બે જિલ્લા છે. કેરળના સાત જિલ્લા, મહારાષ્ટ્ર અને પુંડુચેરીના એક, મણિપુરના નવ, મેઘાલયના ત્રણ, રાજસ્થાન અને નાગાલેન્ડના પાંચ જિલ્લા સામેલ છે. 5 અને 10 ટકા પોઝિટિવિટી રેટ વચ્ચે દેશના 54 જિલ્લા છે. 5 ટકાથી ઓછા જિલ્લાની સંખ્યા 633 છે. 10 ટકાથી વધુ પોઝિટિવિટી રેટ ચિંતાનો વિષય છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 38,164 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 499 દર્દીઓના મોત થયા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,11,44,229 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 40,64,81,493 લોકોને કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. એક દિવસમાં 13,63,123 લોકોને રસી આપવામાં આવી છે. બીજી બાજુ, સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થતાં દેશમાં કોરોના રિકવરી રેટ 97.3 ટકા સુધી પહોંચી ગયો છે. ખાસ કરીને 104 દિવસ બાદ દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 500થી નીચે નોંધાઈ છે. એક્ટિવ કેસમાં પણ ઘટાડો થયો છે. દેશમાં 4,21,665 લોકોની સારવાર ચાલી રહી છે, જે કુલ કેસના 1.35 ટકા છે.