કોરોના મહામારી વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે.ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ આજે રોજ 2-deoxy-D-glucose દવાને ઈમરજન્સી ઉપયોગ માટે મંજુરી આપી દીધી છે. કોરોના સંક્રમિત દર્દીને આ દવા મદદરૂપ થશે. આ દવા ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશનની લેબ ઇન્સ્ટીટ્યુટ ઓફ ન્યુક્લીયરમાં બનાવવામાં આવી છે. ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીની મદદથી આ દવા બનાવવામાં આવી છે.
ડીઆરડીઓની લેબોરેટરીમાં બનાવવામાં આવેલ આ દવા કોરોનાના દર્દીઓમાં સંક્રમણ ફેલાતું અટકાવી જલ્દીથી રીકવર કરવામાં મદદરૂપ થાય છે. ટ્રાયલમાં એવું પણ સામે આવ્યું હતું કે દર્દીના ઓક્સિજન લેવલમાં પણ આ દવાથી સુધારો થશે. ઉપરાંત દર્દીઓનો કોરોનારીપોર્ટ અન્ય દર્દીઓની તુલનામાં જલ્દીથી નેગેટીવ આવી જાય છે. તેવું પણ ટ્રાયલમાં સામે આવ્યું હતું.
એપ્રિલ 2020 માં ડીઆરડીઓના વૈજ્ઞાનિકોએ સેન્ટર ફોર સેલ્યુલર અને મોલેક્યુલર બાયોલોજી (હૈદરાબાદ) સાથે મળીને આ દવાના લેબ પ્રયોગો હાથ ધર્યા. જેમાં બહાર આવ્યું છે આ દવા કોરોનાને રોકવામાં મદદ કરે છે. તેના આધારે ડીસીજીઆઈએ મે 2020 માં ફેઈઝ-2ના ટ્રાયલને મંજૂરી આપી હતી.
દવા પાવડર સ્વરૂપમાં ઉપલબ્ધ છે. દર્દીને પાણીમાં ઓગાળીને દવા લેવી પડશે.જે વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવે છે. લેબ પરીક્ષણમાં બહાર આવ્યું છે કે તે કોરોના વાયરસ સામે અસરકારક છે. ડીઆરડીઓએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે તેને સરળતાથી મોટી માત્રામાં ઉત્પન્ન પણ કરી શકાશે.