સુવિખ્યાત યાત્રાધામ દ્વારકામાં મહિલાઓ માટે હાલારના સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી ગોમતીઘાટ વિસ્તારમાં રૂપિયા 50 લાખના ખર્ચે વિવિધ સુવિધાઓ સાથેના ચેન્જિંગ રૂમના નિર્માણ માટેની મંજૂરી સાંપડી છે. યાત્રાધામ દ્વારકા ખાતે દરરોજ હજારોની સંખ્યામાં દર્શનાર્થે યાત્રાળુઓ આવે છે. ત્યારે અહીં પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરીને મહિલાઓ – પુરુષો પુણ્યનું ભાથું બાંધે છે. હાલ ગોમતીઘાટ નજીક મહિલાઓ માટે સુવ્યવસ્થિત ચેન્જિંગ રૂમ નથી.
ત્યારે આ બાબતને ધ્યાને લઈને ગોમતી કિનારે મહિલાઓ માટે સુવિધાઓ સાથેનું ચેન્જિંગ રૂમ બની રહે તે માટે જામનગર – દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા રૂપિયા 50 લાખના ખર્ચે ચેન્જિંગ રૂમના ઇન્સ્ટોલેશન માટેની ગ્રાન્ટ મંજૂર કરવા માટેના પ્રયાસોને સફળતા મળી છે.
હરિદ્વારમાં ગંગા નદી કિનારે લગાવવામાં આવેલા ચેન્જિંગ રૂમની ડિઝાઇન પરથી આ ચેન્જિંગ રૂમ બનાવવા માટેની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. દ્વારકાના વાતાવરણને અનુરૂપ આધુનિક ડિઝાઇન મુજબ અહીં પણ ગોમતી નદીના ઘાટ પર અતિ આધુનિક ચેન્જિંગ રૂમની વ્યવસ્થાનો લાભ દ્વારકા આવતા યાત્રાળુઓને પ્રાપ્ત થશે.
અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ પણ ઘણા વર્ષો સુધી યાત્રાધામ દ્વારકાને અનુરૂપ ગોમતીઘાટ નજીક મહિલાઓ માટે ચેન્જિંગ રૂમ બનાવવાની વ્યવસ્થા કરવામાં આવે તે માટે રજૂઆતો કરાઈ હતી. પરંતુ સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોને સફળતા મળી છે.