આસામની મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોનિતપુર જિલ્લાના ઢેકિયાજુલી ખાતે જનસભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, દેશની બહાર રહેતા કેટલાક લોકો ભારતની અને વિશેષ કરીને ભારતીય ચાની પ્રતિષ્ઠા ખરડવાનું આંતરરાષ્ટ્રીય કાવતરું ઘડી રહ્યાં છે. કેટલાક દસ્તાવેજોનો ઉલ્લેખ કરતા વડા પ્રધાને જણાવ્યું હતું કે, આ કાવતરા પાછળ રહેલી રાજકીય પાર્ટીઓ પાસેથી જવાબ માગવામાં આવશે. મોદીએ બંગાળનાં હલ્દીયામાં રાજ્યને કરોડોની યોજનાની લહાણી કરતા સીએમ મમતા બેનરજી પર આકરાં પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું હતું કે રાજ્યમાં યોજાનારી ચૂંટણીમાં લોકો ટીએમસીને રામ કાર્ડ બતાવશે.
પીએમ મોદીએ રવિવારે આસોમ માલા પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો હતો. રૂપિયા 8210 કરોડની આ યોજના પર બોલતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે, આગામી 15 વર્ષમાં આસોમ માલા પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય ધોરીમાર્ગો અને જિલ્લા મથકોને જોડતી સડકો સુધારવામાં આવશે. આસામના દરેક ગામને શહેરો સુધી સાંકળી લેવાશે. મોદીએ રવિવારે આસામના બિશ્વનાથ અને ચરાઇદેવ જિલ્લાઓમાં રૂપિયા 1,122 કરોડના ખર્ચે તૈયાર થનારી બે મેડિકલ કોલેજનો શિલાન્યાસ કર્યો હતો. આ બંને મેડિકલ કોલેજમાં એમબીબીએસ માટેની 100-100 બેઠકો રહેશે અને 500 બેડની હોસ્પિટલ તૈયાર કરાશે.