ચૂંટણીપંચના સંયુક્ત નિવેદન દ્વારા ચૂંટણી કમિશનરો વચ્ચે મતભેદ અને એસઆઇઆરમાં ગેરરીતીના કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનને જૂઠાણાઓનો પરદા ફાશ થયો હોય, કોંગ્રેસ દ્વારા લોકોને ગેરમાર્ગે દોરતા હોવાનું ભાજપ દ્વારા પત્રકાર પરિષદમાં જણાવાયું હતું.
ગઇકાલે જામનગર શહેર અને જિલ્લા ભાજપ દ્વારા સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઇ હતી. આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરતી હોવાનું જણાવાયું હતું. પત્રકાર પરિષદમાં ભાજપ દ્વારા જણાવાયું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સમગ્ર વિશ્ર્વનું નેતૃત્વ કરવા સક્ષમ બન્યું છે અને વિશ્ર્વના તમામ દેશોએ પણ ભારતના નેતૃત્વનો સ્વીકાર કર્યો છે. તમામ ક્ષેત્રોમાં ભારત વિશ્ર્વમાં મહત્વનું સ્થાન ધરાવતું થયું છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ દેશની પારદર્શી અને મજબૂત લોકતાંત્રિક પ્રક્રિયા પર બેબુનિયાદ સવાલો ઉઠાવીને વૈશ્ર્વિક સ્તરે ભારતની છબીને ડાઘ લગાડવાના પ્રયાસો કરી રહી છે પરંતુ દેશની જનતાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર અને દેશના લોકતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે.
વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી દેશની સ્વાયત બંધારણીય સંસ્થા ચૂંટણીપંચ સામે એક અખબારમાં છપાયેલા કાલ્પનીક અને તથ્યહીન લેખને આધાર બનાવી બેબુનિયાદ સવાલો ઉઠાવી રાહુલ ગાંધી સહિત વિપક્ષ દ્વારા દેશના નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો અને જૂઠાણા ફેલાવવાનો પ્રયાસ કરાય રહ્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ત્રણેય ચૂંટણી કમિશનરોએ સંયુક્ત પ્રેસ રિલીઝ દ્વારા સ્પષ્ટ કર્યુ છે કે, એસઆઇઆર સંબંધિત તમામ નિર્ણયો સર્વ સંમતિથી લેવામાં આવ્યા હતાં. તેમની વચ્ચે કોઇ મતભેદ નથી. આ સાથે જ તેમને કહ્યું છે કે, મતદાર યાદીમાં નામ ઉમેરવા માટેના ફોર્મ-6 ના મૂળ સ્વરૂપમાં એસઆઇઆર દરમ્યાન કોઇ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. સુપ્રિમ કોર્ટે એસઆઇઆર દરમ્યાન મતદારોની ચકાસણી માટેની દસ્તાવેજી પ્રક્રિયાને માન્ય રાખી છે.
View this post on Instagram
ચૂંટણીપંચે સ્પષ્ટ કર્યુ છે કે, ફોર્મ-6 સાથે લેવામાં આવતી ડેકલેરેશન એટલે કે તેમાં અરજદાર પોતે / માતા-પિતા / દાદા-દાદી અગાઉની એસઆઇઆરની મતદારયાદીમાં હતા કે નહીં તે અંગે વિગતો આપવાની વ્યવસ્થાને પણ સુપ્રિમ કોર્ટે માન્યતા આપી છે. મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ત્રણેય ચૂંટણી કમિશનરોની સંયુક્ત પ્રેસ નિવેદનથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થયું છે. કોંગ્રેસ ચૂંટણી કમિશનરો પણ આંતરિક મતભેદોનો આક્ષેપ કર્યો હતો. તે સંપૂર્ણપણે મનઘડત સાબિત થયો છે અને રાહુલ ગાંધી તથા કોંગ્રેસ જૂઠાણાની ફેકટરી બન્યા હોવાનું ભાજપે જણાવ્યું હતું.
ભાજપે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પહેલા પોતાની હારનું ઠીકરું ઇવીએમ પર ફોડતી પછી એસઆઇઆરને દોષ દીધો અને ચૂંટણીપંચ ઉપર નિરાધાર ખોટા આક્ષેપો કરી છે. જ્યાં જનાદેશ કોંગ્રેસની તરફેણમાં આવે ત્યાં લોકશાહીનો વિજય અને જ્યાં જનાદેશ ભાજપની તરફેણમાં આવે ત્યાં વોટચોરી આ બેવડા ધોરણો જનતા સારી રીતે ઓળખે છે. કોંગ્રેસ પાસે હવે જનતાની વચ્ચે જવાનો મુદ્દો નથી એટલે હાર ન પચાવી શકનારી કોંગ્રેસ ચૂંટણીપંચને નિશાન બનાવી ફેક નેરેટીવ ઉભો કરે છે. પરંતુ દેશની જનતાને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો લાંબા સમય સુધી ચાલી શકતા નથી.
જામનગરમાં યોજાયેલ ભાજપની પત્રકાર પરિષદમાં શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, જિલ્લા ભાજપ પ્રમુખ ડો.વિનુભાઇ ભંડેરી, મેયર મોનિકાબેન વ્યાસ, જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જિવાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.


