Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયબિલ્કીસબાનુ કેસમાં સજા માફી અંગે સરકારની ઝાટકણી

બિલ્કીસબાનુ કેસમાં સજા માફી અંગે સરકારની ઝાટકણી

સુપ્રિમે કહ્યું ગુનાની ગંભીરતાને જોઇને રાજ્યએ મગજનો ઉપયોગ કરવાનો હોય છે

- Advertisement -

સુપ્રીમ કોર્ટે બિલ્કીસ બાનુ કેસના 11 દોષિતોની સજામાફી બદલ ગુજરાત સરકારની આકરી ઝાટકણી કાઢી હતી અને જણાવ્યું હતું કે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લેવી જોઇતી હતી. સરકારે આ નિર્ણય કરતી વગર મગજનો ઉપયોગ કર્યો હતો કે નહીં? ગુજરાત સરકારે ગયા વર્ષે બિલ્કિસ બાનુ કેસના 11 દોષિતોને સમય પહેલા જેલમુક્ત કર્યા હતા. આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવેલો છે.

- Advertisement -

દોષિતોની વહેલી મુક્તિ માટેના કારણો પૂછતા ન્યાયમૂર્તિ કે એમ જોસેફ અને બીવી નાગરથનાની બેન્ચે જેલવાસના સમયગાળા દરમિયાન દોષિતોને આપવામાં આવેલા પેરોલ પર પણ પ્રશ્ર્ન કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે સજામાફી એક પ્રકારની કૃપા છે, જે ગુનાના પ્રમાણસર હોવી જોઈએ. રેકર્ડ જુઓ, તેમાંથી એકને 1,000 દિવસ એટલે કે ત્રણ વર્ષ માટે પેરોલ મંજૂર કરાયા હતા, બીજાને 1,200 દિવસ અને ત્રીજાને 1,500 દિવસનો પેરોલ આપ્યા હતા. તમે (ગુજરાત સરકાર) કઈ નીતિનું પાલન કરો છો? આ કલમ 302 (હત્યા)નો સાદો મામલો નથી, પરંતુ હત્યાઓ અને ગેંગરેપનો ગંભીર મામલો છે. નારંગી સાથે સફરજનની તુલના કરી શકતા નથી, તેવી જ રીતે હત્યાકાંડની તુલના એક હત્યા સાથે કરી શકાતી નથી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે સજામાફી આપવા માટે કેન્દ્ર સાથે પરામર્શ કરાયો હતો.

પરંતુ રાજ્યએ ગુનાની ગંભીરતાને જોઇને મગજનો ઉપયોગ કરવાનો હોય છે. કેન્દ્ર અને ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુને ખંડપીઠે જણાવ્યું હતું કે અહીં એક સગર્ભા મહિલા છે, જેની પર સામૂહિક બળાત્કાર થયો હતો અને તેના પરિવારના કેટલાંક સભ્યોની હત્યા કરાઇ હતી. વાસ્તવિક સવાલ એ છે કે આ કેસમાં સજામાફીનો નિર્ણય કરતી વખતે સરકારે કયા તથ્યોને ધ્યાનમાં લીધા હતા અને મગજનો ઉપયોગ કર્યો હતો કે નહીં.

- Advertisement -

જસ્ટિસ જોસેફે કહ્યું કે કોર્ટ વાસ્તવમાં હાલના કેસમાં રાજ્ય દ્વારા સત્તાના ઉપયોગથી ચિંતિત છે. તેમણે આંધ્રપ્રદેશ સરકાર વિરુદ્ધ એપુરુ સુધાકરના કેસમાં 2006માં સર્વોચ્ચ અદાલતના ચુકાદાને ટાંક્યો હતો, જેમાં દોષિત કોંગ્રેસનો સારો કાર્યકર હોવાનો આધારે આપેલી સજામાફીને રદ કરાઈ હતી. કેન્દ્ર અને ગુજરાત સરકારે અદાલતને જણાવ્યું હતું કે તેઓ કોર્ટના 27 માર્ચના આદેશ કે જેમાં, તેમને સજામાફીની મંજૂરી માટેની ઓરિજિનલ ફાઈલ્સ સાથે તૈયાર રહેવાનો આદેશ કરાયો હતો તેની સમીક્ષા માટે અરજી ફાઈલ કરી શકે છે. ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે કોઈ ગુનો કરવામાં આવે છે, ત્યારે ગુનો કોઈ સમુદાય અથવા સમાજ વિરુદ્ધ હોય છે. તમે આ પ્રકારના કેસમાં કોઈ વ્યક્તિને છોડો છો, ત્યારે તમારે જાહેર જનતાને ધ્યાનમાં રાખવી પડે છે. તમારે જોવું પડે કે તમે જાહેર જનતાને શું સંદેશ આપો છો. ખંડપીઠે જણાવ્યું હતું કે તમામ પ્રતિવાદીઓ 1 મે સુધીમાં તેમના જવાબો દાખલ કરશે અને આ મામલાની વધુ સુનાવણી 2 મેના રોજ કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular