દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા ભરતસિંહ ભીખુભા ચુડાસમા નામના 47 વર્ષના યુવાન તેમના દીકરા રવિરાજસિંહને કામ ધંધો કરવા બાબતે સમજાવી અને ઠપકો આપી રહ્યા હતા. તે દરમિયાન અહીંથી નીકળેલા રૂખડભા વાઘેર, તેમનો ભાણેજ સુરેશભા, તેમની બહેન શીતલબેન તેમજ મેહુલભા વાઘેર નામના ચાર શખ્સો અહીં આવ્યા હતા અને ફરિયાદી ભરતસિંહ તેઓને સંભળાવી રહ્યા હોવા બાબતનું મન દુ:ખ રાખીને આરોપીઓએ બિભત્સ ગાળો કાઢીને તલવાર તથા લોખંડના પાઇપ વડે હુમલો કરી, ઢીકા-પાટુનો માર મારીને ઈજાઓ પહોંચાડી હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
સામા પક્ષે આ જ વિસ્તારમાં રહેતા રૂખડભા ભીખાભા માણેક નામના 38 વર્ષના યુવાને ભરત ચુડાસમા, રવિરાજસિંહ તથા જયરાજસિંહ નામના પિતા-પુત્ર સામે નોંધાવેલી ફરિયાદમાં જાહેર થયું છે કે સાહેદ બાજીબાઈ સાથે આરોપીઓ ઝઘડો કરી, ઝપાઝપી કરી રહ્યા હતા. તેથી ફરિયાદી રૂખડભા વચ્ચે પડતા આરોપીઓએ તેઓને લાકડાના ધોકા વડે માર મારી, ઈજાઓ પહોંચાડી હતી.
આ બનાવ અંગે દ્વારકા પોલીસે આઈપીસી કલમ 323, 324, 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.