જામનગરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતાં તરૂણે બે દિવસ પહેલાં વીજરખી ડેમ પર વીડિયો વાયરલ કરી આત્મહત્યા કર્યાના બનાવમાં મૃતકની માતાએ મૃતકના જ મિત્રો વિરૂધ્ધ મરી જવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તે દિશામાં તપાસ આરંભી હતી.
‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના’ ગીત સાથે અબ્દુલ કાદીર અબ્બાઅલી સાલેભાઈ કેરુન (ઉ.વ.16) નામના જામનગરના તરૂણે વીજરખી ડેમ સાઈટ પર વીડિયો બનાવી આપઘાત કર્યો હતો. આ આપઘાતના બનાવ બાદ મૃતકની માતા સુલતાનાબેન દ્વારા પંચ એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેના પુત્ર અબ્દુલ કાદીરના મિત્રો તોફિક ઉર્ફે ભાણેજ ખીરા, આમીલ ખેરાણી અને કામીલ ખેરાણી તથા અન્ય બે સહિતના ચાર મિત્રોએ અબ્દુલ કાદીરને માર મારી તેનો વીડિયો બનાવી ઈન્સ્ટાગ્રામમાં અપલોડ કરી વાયરલ કર્યો હતો. આ વીડિયો તોફિક પાસે હોય જે ડિલીટ કરવા માટે અવાર-નવાર તોફિકે અબ્દુલ પાસેથી રૂપિયાની માંગણી કરતો હતો જેના કારણે અબ્દુલ ચિંતામાં રહેતો હતો તેમજ તોફિક અને તેના મિત્રો ફરીથી અબ્દુલને માર મારશે તેવો ભય સતાવતો હતો. તોફિક તથા કામીલ સહિતના મિત્રો અબ્દુલને શારીરિક તથા માનસિક ત્રાસ આપી મરી જવા માટે મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ જે.પી. સોઢા તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.