Wednesday, July 3, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાં નશાકારક આયુર્વેદિક પીણાં સંદર્ભે 20 સામે ફરિયાદ

ખંભાળિયામાં નશાકારક આયુર્વેદિક પીણાં સંદર્ભે 20 સામે ફરિયાદ

રદ થઈ ગયેલા લાયસન્સનો ઉપયોગ : જીએસટી નહીં ભરીને સરકારને ચૂનો ચોપડતા શખ્સો સામે પણ કાર્યવાહી

- Advertisement -

ખંભાળિયા પંથકમાંથી થોડા સમય પૂર્વે ઝડપાયેલા સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક સીરપ સંદર્ભે કરવામાં આવેલી વ્યાપક તપાસ બાદ ખંભાળિયા પોલીસ મથકમાં આ પ્રકરણમાં સુનિયોજિત કાવતરૂ ઘડીને સરકાર સાથે ઠગાઈ કરવા સહિતના ગુનાઓમાં ઉત્પાદક, દુકાનદાર સાથે પરપ્રાંતીય ઈસમો સહિત કુલ 20 સામે અહીંના પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ગત તા. 8 ઓગસ્ટ 2023 ના રોજ ખંભાળિયામાંથી ચોક્કસ કંપનીનો આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક સીરપનો જથ્થો ઝડપાયો હતો. આ પ્રકરણમાં નોંધાયેલા ગુના સંદર્ભે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી ઊંડાણપૂર્વકની તપાસ બાદ ખંભાળિયામાં રહેતા પ્રકાશ કિશોરભાઈ આચાર્ય નામના વેપારી શખ્સ દ્વારા અન્ય સાત આરોપીઓ મળી કુલ આઠ શખ્સોએ સાથે મળીને ગુનાહિત કાવતરૂં રચીને પોતાનો અંગત આર્થિક લાભ મેળવવા માટે સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક દવાની આડમાં રદ થઈ ગયેલા લાયસન્સના ઉપયોગથી ચોક્કસ નામથી નશો કરવાના હેતુથી માનવ તંદુરસ્તીને હાનિકારક એવા આઈસોપ્રોફાઈલ જેવા નશાયુક્ત આલ્કોહોલ આયુર્વેદિક ઔષધી સીરપનું ઉત્પાદન કરવામાં આવતું હતું. જેનું નશામુક્ત ગુજરાત રાજ્યમાં છૂટક રીતે પાન બીડીના ગલ્લાઓ ઉપર ઈરાદાથી વિતરણ કરતા આરોપી પ્રકાશ કિશોરભાઈ આચાર્ય આ નામની સીરપની 50 બોટલો સાથે ઝડપાઈ ગયો હતો.

આ પ્રકરણમાં આરોપીઓએ સાથે મળીને સુનિયોજિત રીતે ગુનાહિત કાવતરૂ કરી, પોતાનો અંગત આર્થિક લાભ લેવા માટે જીએસટી નહીં ભરી, સરકાર સાથે ઠગાઈ કરવાના ઈરાદાથી ખોટા કિંમતી બિલો તથા ખોટા સ્ટીકરો બનાવીને તેનો ખરા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

આમ, સેલ્ફ જનરેટેડ આલ્કોહોલયુક્ત આયુર્વેદિક સીરપના ઉત્પાદનમાં નિયત કરતા વધારે પ્રમાણમાં નશાના ઈરાદાથી આલ્કોહોલનું પ્રમાણ રાખીને તેનું કોઈ નિયત પ્રમાણ કરતાં ખૂબ ઓછા પ્રમાણમાં ઔષધી નાખી, તેનું મહતમ પ્રમાણમાં ઉત્પાદન કરીને ફક્ત ગુજરાત રાજ્ય જેવા નશામુક્ત રાજ્ય અને ટાર્ગેટ કરી આયુર્વેદિક દવાની આડમાં રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં આ તમામ જથ્થો સપ્લાય કરવામાં આવતો હતો. જે છૂટક રીતે પાન બીડીના ગલ્લા ઉપર વેચાણ કરતા ચોક્કસ નામની બોટલોનો જથ્થો પોલીસને મળી આવ્યો હતો.

આ રીતે તમામ આરોપીઓએ ગુનાહિત કાવતરામાં સામેલ રહીને લોકોને આયુર્વેદિક દવાની આડમાં કથિત નશાયુક્ત આયુર્વેદિક સીરપનું નશાના ઈરાદાથી વેચાણ કરવામાં આવતું હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે પી.એસ.આઈ. વી.બી. પીઠિયાની ફરિયાદ પરથી ખંભાળિયાના પ્રકાશ કિશોરભાઈ આચાર્ય સહિત તમામ 20 શખ્સો સામે આઈ.પી.સી. કલમ 120 (બી), 274, 275, 328, 465, 467, 468, 471 તેમજ પ્રોહીબીશન એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.આઈ. ટી.સી. પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે. ખંભાળિયામાં વધુ એક વખત ગાજેલા આ સીરપકાંડમાં પોલીસે વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી, અન્ય શખ્સો પણ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ લંબાવી છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular