જામનગરમાં આગામી તા. 7 અને 8 જાન્યુઆરીના કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા જ્ઞાતિ સમુહ ભોજન, દાતાઓનો સન્માન સમારોહ, શ્રીનાથજીની ઝાંખી તથા લોકડાયરો સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રણજીતનગર કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજની વાડીમાં આયોજિત આ કાર્યક્રમોમાં જ્ઞાતિજનોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.
જામનગર કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ ખાતે આગામી તા. 7-8 જાન્યુઆરીના દિવસોએ જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વસતા લેઉવા પટેલ સમાજના જ્ઞાતિજનો માટે સમુહ જ્ઞાતિભોજનનું અયાોજન અને જ્ઞાતિ શ્રેષ્ઠીઓ તથા દાતાઓના સન્માનનો સમારોહ યોજવામાં આવ્યો છે. આ આયોજનની તૈયારીના ભાગરુપે ગત તા. 29 ડિસે.ના રોજ રણજીતનગર લેઉવા પટેલ સમાજ ખાતે મિટિંગ પ્રમુખ મનસુખભાઇ રાબડીયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. જેમાં આયોજન અંગે વિવિધ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ સમારોહમાં જામનગર શહેર-જિલ્લાના અંદાજે 55 થી 60 હજાર જ્ઞાતિજનોનું સમુહ ભોજન યોજવામાં આવશે. ત્રણ વર્ષથી આ કાર્યક્રમ કોરોનાકાળ સહિતના કારણોથી યોજી શકાયો ન હતો. જ્ઞાતિના શ્રેષ્ઠીઓ તથા દાતાઓનો સન્માન સમારોહ પણ યોજાશે.
કેબિનેટમંત્રી રાઘવજીભાઇ પટેલ તથા ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી વગેરે મહાનુભાવોના હસ્તે લેઉવા પટેલ સમાજ માટેની અલ્ટ્રા મોર્ડન અને બહુઉપયોગી એપ તેમજ વેબસાઇટનું લોન્ચીંગ કરવામાં આવશે. તા. 7 જાન્યુ.એ સાંજે 7:30 થી 10 વાગ્યા સુધી શ્રીનાથજીની ઝાંખીનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. જેમાં જામનગરના કલાકાર ભાસ્કર શુકલ કાર્યક્રમ આપશે. ત્યારબાદ રાત્રીના 10 થી 12 વાગ્યા સુધી ગુજરાત તથા દેશ-વિદેશમાં જાણીતા હાસ્ય કલાકાર સાઇરામ દવેનો લોકડાયરો યોજવામાં આવ્યો છે. બીજે દિવસે તા. 8 જાન્યુ. બપોરે 4 વાગ્યે સમુહ જ્ઞાતિભોજન રાખવામાં આવ્યું છે. આ તમામ કાર્યક્રમો રણજીતનગરમાં કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ ખાતે રાખવામાં આવ્યા છે.