Tuesday, January 14, 2025
Homeરાજ્યજામનગર2024ની તૈયારીઓના ભાગરૂપે કેન્દ્રિય મંત્રી મંડળમાં ફેરફારની સંભાવના, હાલારને આશા

2024ની તૈયારીઓના ભાગરૂપે કેન્દ્રિય મંત્રી મંડળમાં ફેરફારની સંભાવના, હાલારને આશા

- Advertisement -

2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે કેન્દ્રિય મંત્રીમંડળમાં કેટલાક ફેરફારની સંભાવનાઓ જોવાઇ રહી છે. લોકસભાની રણનીતિના ભાગરૂપે મોદી મંત્રી મંડળના હાલના કેટલાક સભ્યોને પડતાં મૂકી તેના સ્થાને નવા મંત્રીઓને સમાવેશ કરવામાં આવી શકે છે.ખાસ કરીને જે સાંસદોએ પોતાના મતક્ષેત્રમાં સારી કામગીરી કરી છે. તેમનો પ્રધાનમંડળમાં સમાવેશ થઇ શકે છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં ભાજપને મળેલી પ્રચંડ બહુમતિમાં કેટલાક સાંસદોએ પોતાના ક્ષેત્રમાં લગભગ કલીનસ્વીપ કરી છે. આ વિસ્તારોમાં હાલારનો પણ સમાવેશ થાય છે. ત્યારે સંભવિત મંત્રીમંડળ ફેર બદલમાં નવા વર્ષના આગમન સુધીમાં હાલાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે તેમ છે.

- Advertisement -

હાલ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહયું છે. ત્યારે આ સત્ર દરમ્યાન કેન્દ્રિય મંત્રી મંડળમાં કેટલાક ફેરફારો માટે પ્રધાનમંત્રી મોદી ગૃહમંત્રી અમિત શાહ સહિતના ટોચના નેતાઓ ચર્ચા વિચારણા કરી રહયા છે. હાલ કેન્દ્રિય મંત્રીઓની કામગીરીના રિપોર્ટ કાર્ડ પર પણ નજર નાખવામાં આવી રહી છે. જે મંત્રીઓ કામગીરીમાં ઉણા ઉતર્યા છે. તેવા મંત્રીઓના સ્થાને નવાને તક આપવાની સંભાવનાઓ ખૂબજ પ્રબળ બની ગઇ છે. ગુજરાતના સારા પરિણામ બાદ કેન્દ્રિય કેબિનેટમાં ગુજરાતના પ્રતિનિધત્વમાં વધારો અથવા તો ફેરબદલ થઇ શકે છે. હાલ પુરૂષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા, દર્શના જરદોષ જેવા સાંસદો કેન્દ્રની સરકારમાં ગુજરાતનું પ્રતિનિધત્વ કરી રહયા છે. આ ત્રણ મંત્રીઓમાંથી એકાદ બે મંત્રીઓને રાજયમાં સંગઠન અને પક્ષના પ્રચાર-પ્રસારની જવાબદારી સોંપી તેમના સ્થાને ગુજરાતમાંથી જ નવા સાંસદોને પ્રતિનિધત્વ આપવામાં આવી શકે છે. હાલ જે અટકળો ચાલી રહી છે તે મુજબ હાલાર માટે આશાનું કિરણ દર્શાવ્યું છે. તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાલારની 7માંથી 6 બેઠક પર ભગવો લહેરાયો છે. એટલું જ નહીં. કોંગ્રેસ પાસે રહેલી ત્રણ પૈકી બે બેઠકો ખૂંચવી લેવામાં આવી છે. ઉપરાંત જામનગર શહેર અને ગ્રામ્યની એમ કુલ 3 બેઠક પર ભાજપાના ઉમેદવારની ઐતિહાસિક લીડથી એક તરફી જીત થઇ છે. તેમજ ખંભાળિયાની બેઠક કોંગ્રેસના દિગ્ગજ વિક્રમ માડમ પાસેથી આંચકી લેવામાં પણ ભાજપ સફળ થયું છે. ભાજપની આ પ્રચંડ જીત પાછળ હાલારના સાંસદ પૂનમબેન માડમની ભૂમિકા ખૂબજ મહત્વપૂર્ણ રહી છે. તેમણે પક્ષના યોજનાઓનો સફળતાપૂર્વક પ્રચાર પ્રસાર કરી લોકોને ભાજપ તરફ આકર્ષવામાં સફળતા મેળવી છે. ત્યારે મંત્રી મંડળ ફેરબદલમાં તેમના સમાવેશની સંભાવનાઓ પણ ખૂબજ વધી ગઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular