લોકરક્ષક દળની ભરતીમાં રાજ્યમાં સાડા નવ લાખ જેટલી અરજીઓ કન્ફર્મ કરવામાં આવી છે. કુલ 10હજારથી વધુ જગ્યાઓ છે. લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજી કરવાની સમયમર્યાદા 9 નવેમ્બરના રોજ પૂરી થઈ ગઈ. લોકરક્ષક દળમાં ભરતી માટે કુલ 12 લાખ જેટલી અરજીઓ આવી છે, જેમાં 9.46 લાખ અરજી કન્ફર્મ થઈ છે. જેમાંથી 6.92 લાખ પુરુષ અને 2.54 લાખ મહિલાઓ છે.
આઈપીએસ ઓફિસર હસમુખ પટેલે માહિતી આપતા જણાવ્યું છે કે શારીરિક કસોટી પાસ કરનાર એટલે કે 25 મિનિટમાં પાંચ કિલોમીટર દોડનાર પુરુષ તથા 9.5 મિનિટમાં 1600 મીટર દોડનાર મહિલા તથા ઉંચાઇ- વજન- છાતીના ધોરણમાં પાસ થનાર તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષાની તક આપવામાં આવશે.
આ ઉપરાંત પુરુષ વર્ગના ઉમેદવારોમાં અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે ઊંચાઈ 162 સેમી, છાતી ફૂલાવ્યા વગર 79 સેમી અને ફૂલાવેલી 84 સેમી તથા વજન 50 કિલોથી વધારે હોવું જરૂરી છે. અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે ઊંચાઈ 165 સેમી, છાતી ફૂલાવ્યા વગર 79 સેમી તથા ફૂલાવેલી 84 સેમી અને વજન 50 કિલોથી વધુ હોવું જોઈએ.
અનુસૂચિત જનજાતિના મહિલા ઉમેદવારો માટે ઊંચાઈ 150 સેમી અથવા વધુ તથા વજન 40 કિલોથી વધુ હોવું જોઈએ. અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ મહિલા ઉમેદવારો માટે ઉંચાઈ 155 સેમી અથવા વધુ તથા વજન 40 કિલોથી હોવું જોઈએ.
આ ઉપરાંત જે ઉમેદવારોનું કોઈ અંગ ફ્રેકચર હોય, ત્રાસી આંખ,વાંકા ઢીચણવાળા, સપાટ પગ, કાયમી અતિશય ફૂલેલી નસ, સડેલું અંગ, ચેપી ચામડીના રોગ કે રંગ અંધત્વની ખામી ધરાવતા હોય તેઓ શારીરિક કસોટીમાં યોગ્ય ગણાશે નહી.