ભાણવડ તાલુકાના વાનાવડ ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા પૃથ્વીરાજસિંહ કિશોરસિંહ જાડેજા નામના 32 વર્ષના યુવાનના રહેણાંક મકાનમાં ગઈકાલે શુક્રવારે સવારના સમયે બે પુરુષ તથા એક સ્ત્રી જેવા શકમંદ શખ્સોએ અનધિકૃત રીતે પ્રવેશ કર્યો હતો. આ રહેણાંક મકાનના મુખ્ય રૂમનું તાળું તોડી, અને મકાનની અંદર રહેલા કબાટની તિજોરીમાંથી રૂપિયા 75 હજારની કિંમતના ત્રણ તોલા સોનાના દાગીના તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 76,000 ના મુદ્દામાલની ચોરી કરીને લઈ ગયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.
આ અંગે ભાણવડ પોલીસે અજાણ્યા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી, આ પ્રકરણમાં તપાસનીસ અધિકારી પી.એસ.આઈ. કે.કે. મારુ દ્વારા તસ્કરોને ઝડપી લેવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.